Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની ચાર જજ સાથે ટુંકી વાતચીત

વિવાદને ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધરાયા : ગેરરીતિના આક્ષેપો કરીને ગયા સપ્તાહમાં પત્રકાર પરિષદ યોજનાર સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજની સાથે વાતચીત

નવીદિલ્હી,તા.૧૬ : ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા આજે ૧૫ મિનિટ સુધી ચાર સૌથી સિનિયર જજોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. કેસો સારીરીતે આપવામાં આવી રહ્યા નથી. ઘણી બધી બાબતો સારીરીતે ચાલી રહી નથી. વ્યાપક ગેરરીતિઓ જોવા મળી રહી છે તેવા આક્ષેપો કરીને ગયા સપ્તાહમાં જ પત્રકાર પરિષદ યોજનાર સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજ આજે સીજેઆઈ દિપક મિશ્રાને મળ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે, આ બેઠકમાં જસ્ટિસ એકે સિકરી અને અન્ય બે જજ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સીજેઆઈ અને ચાર જજ વચ્ચે રહેલા વિવાદને ઉકેલવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. આજ દિશામાં આને પ્રથમ પગલા તરીકે જોવામાં આવે છે. ટૂંકી બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ ગઇકાલના તેમના નિવેદનથી પીછેહઠ કરી ગયા છે અને કહ્યું છે કે, જજો વચ્ચેનો વિવાદ હજુ સુધી સંપૂર્ણપણે ઉકેલાયો નથી. વેણુગોપાલે કહ્યું હતું કે, તેઓ માને છે કે, કેટલીક બાબતોને લઇને હજુ મતભેદો રહેલા છે પરંતુ બે ત્રણ દિવસની અંદર તમામ વિવાદોનો ઉકેલ આવી જશે. ચાર જજ પૈકી કોઈની પણ સાથે તેમની વાતચીત થઇ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા વેણુગોપાલે કહ્યું હતું કે, હજુ સુધી વિવાદનો ઉકેલ આવ્યો નથી. અત્રે નોંધનીય છે કે, ચાર જજોએ ગયા શુક્રવારના દિવસે પત્રકાર પરિષદ યોજીને ખળભળાટ મચાવી દીધો હતો. જસ્ટિસ ચેલેમેશ્વર, રંજન ગોગોઈ, મદન બી લાકુર અને કુરિયન જોસેફે પત્રકાર પરિષદ યોજી હતી. અત્રે નોંધનીય છે કે, ગયા શુક્રવારે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજે મિડિયાની સામે આવીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની વહીવટી કાર્ય કુશળતા અને કાર્યશૈલી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અભૂતપૂર્વ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટના ચાર જજે પત્રકાર પરિષદ યોજી હતી અને દેશના કાયદાકીય સમુદાયમાં ખળભળાટ મચાવી દીધો હતો. પત્રકાર પરિષદ બાદ ચારેય જજ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ જજોના કહેવા મુજબ તેઓએ પત્ર ચીફ જસ્ટિસને લખ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સંબોધીને સાત પાનાના પત્રમાં જજોએ કેટલાક મામલામાં એસાઈન્ટમેન્ટને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. જજોના આક્ષેપ છે કે, ચીફ જસ્ટિસ તરફથી કેટલાક મામલોઓને પસંદગી બેંચ અને જજને જ આપવામાં આવી રહ્યા હતા. ગઇકાલે સુપ્રીમ કોર્ટના ચાર જજ કામ ઉપર પરત ફર્યા હતા. ગઇકાલે જ સુપ્રીમ કોર્ટે સીજેઆઈના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી હતી જેમાં ચાર જજોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

(8:15 pm IST)