Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઝેડ પ્લસ સિકયોરીટી હોવા છતાં પ્રવિણભાઇ તોગડીયાને એકલા કઇ રીતે જવા દેવામાં આવ્યા?

કેવો યોગાનુયોગ : જે સ્થળેથી પ્રવિણ તોગડીયા મળ્યા તે જ સ્થળે એન્કાઉન્ટરની ઘટના ઘટેલીઃ પુર્વ ડીજીપી પી.પી.પાન્ડેય પણ આ જ હોસ્પીટલમાં સારવારમાં દાખલ થયેલ : ડીસીપી આર.જે.પારગીને તપાસ સુપ્રત થતા જ તપાસનો ધમધમાટ શરૂ : પ્રવીણ તોગડીયા બાબતે તપાસ થવી જોઈએઃ તોગડીયા ખુદ કહી રહયા છે કે તેમનું એન્કાઉન્ટર થવાનુ હતુ, તપાસ થાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાયઃ તોગડીયા વાળી ઘટના સમજની બહાર છેઃ રાજસ્થાન કોંગીના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત

રાજકોટ, તા., ૧૬: વિશ્વ હિન્દુ પરીષદના  આંતરરાષ્ટ્રીય પ્રમુખ જે રીતે રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા અને જે રીતે બેભાન અવસ્થામાં જે સ્થળેથી મળી આવ્યા અને જે હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા તે બંન્ને સ્થળો યોગાનુયોગ ચોક્કસ બાબતો માટે ખુબ જ જાણીતા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહયા છે.

પ્રવિણભાઇ તોગડીયા શાહીબાગ વિસ્તારના કોતરપુર નજીકથી ખોડીયાર મંદિર પાસેથી મળી આવ્યા. આ સ્થળે જ ભુતકાળમાં  ઇશરત જહાં એન્કાઉન્ટર સહિતની ઘટનાઓ ઘટી હતી.

યોગાનુયોગ પુર્વ ડીજીપી પૃથ્વીપાલ પાન્ડેયજી સામે એન્કાઉન્ટર સંદર્ભેની સીબીઆઇ કાર્યવાહી સંદર્ભે તેઓ સામે પગલા લેવામાં આવ્યા ત્યારે તે સમયે તેઓ પણ ચંદ્રમણી હોસ્પીટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.

દરમિયાન પ્રવિણભાઇ તોગડીયાને હોસ્પીટલે પહોંચાડવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે કોલ કરી હોસ્પીટલ પહોંચાડનાર વ્યકિતની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહી છે. બીજી તરફ પ્રવિણભાઇ સાથે રહેલા શખ્સની ઓળખ થઇ છેે. તેનું નામ ધીરૂભાઇ કપુરીયા હોવાનું જાણવા મળે છે.  દરમિયાન પ્રવિણભાઇ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. નિયમાનુસાર તેમની સુરક્ષામાં રહેલા કમાન્ડો કે અધિકારીઓએ તેમને એકલા છોડવાના હોતા નથી. આમ છતાં કયાં સંજોગોમાં તેમને એકલા છોડવામાં આવ્યા? આ માટે કંઇ બાબત જવાબદાર હતી? તેની તપાસ અમદાવાદના ઝોન-પ ના ડીસીપી આર.જે.પારગીને સુપ્રત થતા તેઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:41 pm IST)