Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

છેલ્લા ૧૩ વર્ષોમાં દર ત્રીજા દિવસે જવાન શહીદ : રિપોર્ટ

ગોળીબાર, ત્રાસવાદ વિરોધી ઓપરેશનમાં શહીદ : ભારતીય સેનાએ જાન્યુઆરી ૨૦૦૫થી લઇને ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ૧૬૮૪ જવાનો ગુમાવી દીધા છે : રિપોર્ટ

આગરા,તા. ૧૬ : ૧૧ લાખથી વધુ જવાન ધરાવનાર ભારતીય સેનાએ છેલ્લા ૧૩ વર્ષના ગાળામાં દર ત્રીજા દિવસે પોતાના એક જવાનને ગુમાવ્યો છે. એટલે કે દર ત્રીજા દિવસે એક ભારતીય જવાન શહીદ થયો છે. ભારતીય સેનાના જાન્યુઆરી ૨૦૦૫થી લઇને ડિસેમ્બર ૨૦૧૭ સુધીના તમામ આંકડા પરથી જાણી શકાય છે કે કુલ એક હજાર ૬૮૪ જવાનો જુદા જુદા બનાવોમાં શહીદ થયા છે. જેમાં પાકિસ્તાની ગોળીબાર, ત્રાસવાદ વિરોધી ઓપરેશન, જવાબી કાર્યવાહી  અને શાંતિ મિશનનો સમાવેશ થાય છે. આ તમામ જુદા જુદા મિશનના ભાગરૂપે ભારતીય સેનાએ મોટી સંખ્યામાં તેના જવાનો ગુમાવ્યા છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે ભારતીય સેનાએ તેના ૭૦માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. માત્ર ૨૦૧૭માં જ ભારતીય સેનાના ૮૭ જવાનો શહીદ થયા છે. ૨૩મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા બાદ આ આંકડો વધીને હવે ૯૧ ઉપર પહોંચી ગયો છે. ભારતીય સેનાના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬માં ૧૧ ઓફિસર સહિત ૮૬ જવાનો શહીદ થયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૫માં ચાર ઓફિસર સહિત ૮૫ જવાનો શહીદ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં દશકોથી ત્રાસવાદી ગતિવિધી ચરમસીમા પર રહી છે. જેથી ત્રાસવાદી વિરોધી ઓપરેશનમાં વધારે જવાનો શહીદ થયા છે. યુદ્ધમાં જેટલા જવાનો શહીદ થયા છે તેના કરતા ત્રાસવાદી વિરોધી ઓપરેશનમાં વધારે જવાનો શહીદ થયા છે. વર્ષ ૨૦૧૪માં પણ મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા હતા. સૌથી નવેસરથી આંકડા પર ધ્યાન કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા નજીક ઓપરેશનમાં લાન્સ નાઇયક યોગેશ શહીદ થયા હતા. શનિવારના દિવસે તેમનુ મોત થયુ હતુ. ગયા મહિને ૨૩મી ડિસેમ્બરના દિવસે જમ્મુના રાજૌરીના કેરી સેક્ટરમાં અંકુશ રેખા પર ભારતીય ચોકી પર પાકિસ્તાન દ્વારા જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક મેજર અને ત્રણ જવાન શહીદ થયા હતા. મેજરની ઓળખ મોહરકર પ્રફુલ્લ અમ્બાદાસ તરીકે થઇ હતી.લાન્સ નાઇક ગુરમેલ સિંહ અને દુલદીપ પણ શહીદ થયા હતા. સાથે સાથે સિપાહી પરગટ સિંહ પણ શહીદ થયા હતા. સરહદ પર પાકિસ્તાન દ્વારા અવિરત અને વારંવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય સેનાને નુકસાન ઉઠાવવાની ફરજ પડી છે. ભારતીય સેનાએ હાલમાં જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે. જેમાં ગયા વર્ષે ૨૦૦થી વધુ ત્રાસવાદીઓ ફુંકાયા હતા.

ક્યા વર્ષે કેટલા શહીદ...

૨૦૦૫માં ૩૪૨ની ખુવારી થઇ

         નવી દિલ્હી તા.૧૬ : ૧૧ લાખથી વધુ જવાન ધરાવનાર ભારતીય સેનાએ છેલ્લા ૧૩ વર્ષના ગાળામાં દર ત્રીજા દિવસે પોતાના એક જવાનને ગુમાવ્યા હતી. ક્યાં વર્ષે કેટલા જવાન શહીદ થયા તે નીચે મુજબ છે

૨૦૧૭.............................................................. ૯૧

૨૦૧૬.............................................................. ૮૬

૨૦૧૫.............................................................. ૮૫

૨૦૧૪.............................................................. ૬૫

૨૦૧૩.............................................................. ૬૪

૨૦૧૨.............................................................. ૭૫

૨૦૧૧.............................................................. ૭૧

૨૦૧૦........................................................... ૧૮૭

૨૦૦૯........................................................... ૧૦૭

૨૦૦૮.............................................................. ૭૧

૨૦૦૭........................................................... ૨૨૧

(1:07 pm IST)