Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

૬૪ કરોડના બોફર્સ કૌભાંડની તપાસ માટે રૂ. ૨૫૦ કરોડનો ખર્ચ

સીબીઆઇ હાઇકોર્ટને ગેરમાર્ગે દોરી રહી હોવાનો ભાજપી નેતાનો આક્ષેપ

નવી દિલ્હી તા. ૧૬ : રૂ. ૬૪ કરોડના બોફર્સ કૌભાંડની તપાસ પાછળ રૂ.૨૫૦ કરોડ ખર્ચાયા હોવાનું જણાવી સીબીઆઈએ હાઈ કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાનો દાવો કરી ભાજપના નેતાએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યો હતો.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીથી કોંગ્રેસનાં તત્કાલિન અધ્યક્ષા સોનિયા ગાંધી વિરુદ્ઘ ચૂંટણી લડેલા એડવોકેટ અજય અગ્રવાલે દાવો કર્યો હતો કે ૨૧ માર્ચ ૨૦૧૧ના રોજ માહિતી અધિકારની એક અરજીના તેમને મળેલા જવાબ મુજબ બોફર્સ કૌભાંડની તપાસ પાછળ કુલ રૂ.૪.૭૭ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

રૂ.૪.૭૭ કરોડના ખર્ચમાં દેશમાં તેમ જ વિદેશમાં વકીલોને ચુકવવામાં આવેલી ફીનો પણ સમાવેશ થતો હોવાનું દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું.

યુરોપસ્થિત ઉદ્યોગપતિ હિન્દુજા બંધુઓ વિરુદ્ઘના આક્ષેપોને રદ કરતા ૩૧મે ૨૦૦૫ના દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા બાદ ૯૦ દિવસની સમયમર્યાદામાં અપીલ કરવામાં સીબીઆઈ નિષ્ફળ નીવડ્યા બાદ સુપ્રીમ કોર્ટે ૧૮ ઓકટોબર ૨૦૦૫ના રોજ અગ્રવાલની અરજી દાખલ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ આર. એસ. સોઢીએ ૩૧મે ૨૦૦૫ના રોજ હિન્દુજાબંધુ (શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશચંદ)ઓ અને બોફોર્સ કંપની વિરુદ્ઘના તમામ આક્ષેપો રદ કર્યા હતા અને બોફર્સ કેસની તપાસને કારણે સરકારને રૂ.૨૫૦ કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવી કેસ હાથ ધરવાને મામલે સીબીઆઇનો ઊધડો લીધો હતો.

શસ્ત્રોનું ઉત્પાદન કરતી સ્વીડનની બોફર્સ કંપની પાસે રૂ.૧૪૩૭ કરોડને ખર્ચે ૧૫૫ એમએમની ૪૦૦ હોવિત્ઝર તોપની ખરીદી કરવાના કરાર ૨૪ માર્ચ ૧૯૮૬ના રોજ કરવામાં આવ્યા હતા.

૧૬ એપ્રીલ ૧૯૮૭ના રોજ સ્વિડીશ રેડિયોએ દાવો કર્યો હતો કે આ સોદા બદલ બોફર્સ કંપનીએ ટોચના ભારતીય રાજકારણીઓ અને સુરક્ષા અધિકારીઓને લાંચ આપી હતી.(૨૧.૧૫)

 

(10:12 am IST)