Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મુસ્લિમ મહિલા બિલને કેબિનેટની મંજુરી મળી

ત્રિપલ તલાક પર મોદી સરકારનો મોટો નિર્ણય : મૌખિક, લેખિત, કોઇપણ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ત્રણ તલાક હવે ગેરકાયદે બનાવાશે : ઐતિહાસિક પહેલ થઇ

નવીદિલ્હી, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે અઇતિ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્રિપલ તલાક પર મોટુ પગલુ લઇને મોદી સરકારે મુસ્લિમ મહિલા બિલને લીલીઝંડી આપી દીધી છે. મોદી કેબિનેટે મુસ્લિમ મહિલા બિલ ૨૦૧૭ને લીલીઝંડી આપી દેતા આને લઇને ચાલી રહેલી તમામ ચર્ચા અને અટકળોનો અંત આવી ગયો છે. આના મારફતે મૌખિક, લેખિત અને કોઇ પણ ઇલેક્ટ્રોનિક રીતે એક સાથે ત્રણ વખત તલાકને ગેરકાયદે બનાવી દેવામાં આવનાર છે. સંસદના બન્ને ગૃહોમાંથી પાસ થઇ ગયા બાદ આ કાયદો બની જશે. શુક્રવારના દિવસે રાજ્યસભામાં ભારે ધાંધલ ધમાલ વચ્ચે મોદી કેબિનેટેની બેઠકમાં આને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે સરકાર આને સંસદના શિયાળુ સત્રમાં જ પસાર કરી દેવાના પ્રયાસ કરનાર છે. તે પહેલા કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ બિલને આઠ રાજ્યો દ્વારા સમર્થન આપી દેવામાં આવ્યુ છે. કાયદા મંત્રાલય દ્વારા આશરે એક પખવાડિયા પહેલા ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવા અને આને એક દંડનીય અપરાધ તરીકે ગણવા તેમજ બિનજામીનપાત્ર અપરાધ બનાવવા સાથે સંબંધિત સુચિત કાયદા પર તમામ રાજ્ય સરકારો પાસેથી અભિપ્રાય માંગ્યા હતા. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઝારખંડ, આસામ, મણિપુર અને અન્ય છ રાજ્યોએ ડ્રાફ્ટ બિલ પર સરકારનુ સમર્થન કર્યુ હતુ. જ્યારે અન્ય રાજ્યોના જવાબની રાહ જોવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૨૨મી ઓગષ્ટના દિવસે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં ઇસ્લામિક પ્રથાને ઇચ્છિત અને ગેરબંધારણીય કરાર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તે છતાં કેટલીક જગ્યાઓથી ત્રિપલ તલાક આપવાને લઇને રિપોર્ટ આવી રહ્યા છે. ત્રિપલ તલાકની ફરિયાદો મળી ગઇ હતી જેના પરિણામ સ્વરુપે કેન્દ્ર સરકારે આનો ઉકેલ શોધી કાઢવા માટે એક કમિટિ બનાવી હતી. આ કમિટિમાં હોમ મિનિસ્ટર રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, લઘુમતિ બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ હતા. સૂચિત બિલમાં પોતાની પત્નિની સાથે એક સાથે ત્રણ વખત તલાક બોલીને તલાક આપવાના પ્રયાસ કરનાર મુસ્લિમ પુરુષને ત્રણ વર્ષની સજા અપાશે. આ ઉપરાંત પીડિત મહિલાઓને કોર્ટમાંથી રજૂઆત કરીને યોગ્ય વળતર આપવામાં આવશે. બાળકોની કસ્ટડી માંગવાની મંજુરી પણ અપાશે.

(7:50 pm IST)