Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠુઠવાયુઃ સવારે ગાઢ ધુમ્‍મસ

દિલ્‍હી, હરિયાણા, પંજાબ, રાજસ્‍થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ, જમ્‍મુ-કાશ્‍મીરમાં ગાત્રો થીજાવતી ઠંડી

ઠેર-ઠેર હિમપાત-વરસાદ : દલ્‍હીમાં ગાઢ ધુમ્‍મસ છવાયુઃ રપ ટ્રેનો મોડી દોડે છેઃ ૧ર ટ્રેનો રદ કરવી પડીઃ રાજસ્‍થાનમાં ઠંડીથી એકનું મોતઃ હજુ ઠંડી વધવાની શકયતા

નવી દિલ્‍હી તા.૧પ : સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્‍હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરીયાણા, રાજસ્‍થાન, પંજાબ ઠુઠવાઇ રહ્યા છે. દિલ્‍હીમાં આજે સવારે જોરદાર ધુમ્‍મસ છવાતા રપ ટ્રેનો મોડી દોડી રહી છે અને બે ટ્રેનનો સમય બદલાવાય રહ્યો છે. જયારે ઉત્તરાખંડ અને હિમાચલમાં પહાડો પર બરફ અને વરસાદથી ગાત્રો થીજાવી દયે તેવી ઠંડી પડી રહી છે. આવતા દિવસોમાં હજુ ઠંડી વધવાની શકયતા છે. કાશ્‍મીરના પર્વત વિસ્‍તારોમાં હિમપાત ચાલુ છે.

આજે વહેલી સવારે દિલ્‍હીમાં ગાઢ ધુમ્‍મસ છવાતા ૧ર ટ્રેનો રદ કરવી પડી છે. વિમાન સેવાને પણ અસર પડી છે. દિલ્‍હીમાં આવતા દિવસોમાં હજુ ઠંડી વધે તેવી શકયતા છે. ઉત્તરાખંડમાં હિમપાત અને વરસાદ બાદ ઠંડીનો પ્રકોપ વધી ગયો છે ત્‍યાં પણ ગાઢ ધુમ્‍મસ છવાયુ છે. આવતા ૩ દિવસ સુધી ધુમ્‍મસ રહે તેવી શકયતા છે.

હિમાચલમાં ત્રણ દિવસ સતત બરફ અને વરસાદ પડયા બાદ હવામાન ચોખ્‍ખુ થયુ છે તો ચંબા જિલ્લામાં હજુ ર૬ માર્ગો ઉપર વ્‍યવહાર ચાલુ થયો નથી. ૩૦ ગામમાં ૩ દિવસથી વિજળી ગુલ છે. ગઇકાલે કેલંગમાં માઇનસ ૬.ર તાપમાન નોંધાયુ હતુ.

જમ્‍મુ-કાશ્‍મીરના પર્વતીય વિસ્‍તારોમાં હિમપાત ચાલુ છે. તાપમાન શૂન્‍યથી નીચે જતા ભીષણ ઠંડી પડી રહી છે. કાશ્‍મીરનું દાલ લેઇક થીજી ગયુ છે. શ્રીનગરમાં રાતનું તાપમાન માઇનસ ૧.ર નોંધાયુ છે તો ગુલમર્ગમાં માઇનસ ૯.૮ અને પહલગામમાં માઇનસ ૬.ર ડીગ્રી તાપમાન નોંધાયુ છે.

હવામાન ખાતાના કહેવા મુજબ કાશ્‍મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં થયેલા હિમપાતને કારણે ઉત્તરના પવનોના અસરથી દિલ્‍હીમાં વધુ ઠંડી પડશે. રાજસ્‍થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. અલવરમાં ઠંડીથી એક વ્‍યકિતનું મોત થયુ છે. માઉન્‍ટ આબુ નખ્‍ખી લેઇક થીજી ગયુ છે.

ઉત્તરાખંડમાં ૧૧મીથી બરફ પડી રહ્યો છે. કેદારધામમાં ૩ ફુટ બરફ પડયો છે અને બરફ વર્ષા ચાલુ છે તો બદ્રીનાથમાં ર ફુટ બરફ પડી ચુકયો છે અને ત્‍યાં અવર-જવર બંધ થઇ ગઇ છે. બદ્રીનાથ ધામ તો બર્ફીસ્‍તાન જેવુ લાગી રહ્યુ છે. ચોતરફ બરફ જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના અનેક વિસ્‍તારો પણ કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે. આવતા દિવસોમાં ઠંડી હજુ વધે તેવી શકયતા છે.

 

(4:33 pm IST)