Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

BARCએ ૧૨ સપ્તાહ માટે રેટિંગ્સ પર રોક લગાવી દીધી

ટીઆરપી સાથે છેડછાડનો વિવાદમાં આકરું પગલું : પોલીસે આ કેસમાં પાંચની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે ત્યારે રેટિંગ એજન્સીનો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી, તા. ૧૬ : રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે બનાવટી ટીઆરપીને લઈને થયેલા હોબાળા વચ્ચે મોટો નિર્ણય લીધો છે. બીએઆરસીએ હાલમાં ન્યૂઝ ચેનલોના સાપ્તાહિક જાહેર થતા રેટિંગ્સ પર રોક લગાવી દીધી છે. ૧૨ અઠવાડિયા માટે તમામ ભાષાઓમાં ન્યૂઝ ચેનલોના રેટિંગ્સ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીએઆરસીએ જણાવ્યું છે કે ટીઆરપી ડેટાને માપવાની વર્તમાન સિસ્ટમની સમીક્ષા કરવામાં આવશે. તેમાં વધુ સુધારો કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવટી ટીઆરપીનો આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બીએઆરસીએ હંસ રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીમાં ચેડાં કરી રહી છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આવા કેટલાક પરિવારોને કોઈ ખાસ ચેનલ ચલાવવા માટે લાંચ આપવામાં આવી હતી, જેમાં તેમના ઘરોમાં ટીઆરપી ડેટા એકત્રિત કરવાના ઉપકરણો લગાવાયેલા હતા.

પોલીસે આ કેસમાં ઓછામાં ઓછા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અર્ણબ ગોસ્વામીની આગેવાની હેઠળ રિપબ્લિક ટીવીના અધિકારીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, રિપબ્લિક ટીવીએ કોઈપણ ગેરરીતિનો ઈનકાર હતી. ગયા અઠવાડિયે, મુંબઈ પોલીસ કમિશનર (સીપી) પરમબીરસિંહે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે રિપબ્લિક ટીવી, બોક્સ સિનેમા અને ફક્ત મરાઠી ચેનલોએ જાહેરાતોથી વધુ આવક મેળવવા માટે ટીઆરપીમાં ચેડા કર્યા છે. જો કે, રિપબ્લિક ટીવીએ તેમના દાવાને સંપૂર્ણપણે નકારી દીધો છે.

બીએઆરસી ભારતમાં ટીવી ચેનલો માટે દર અઠવાડિયે રેટિંગ પોઇન્ટ પ્રકાશિત કરે છે. બીએઆરસી એ મીડિયા ઉદ્યોગનું જ એક એકમ છે, જેની રચના સચોટ, વિશ્વસનીય અને સમયસર ટીવી વ્યૂઅરશિપને માપવા માટે કરાઈ છે. તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ના માર્ગદર્શન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભલામણો હેઠળ કાર્ય કરે છે.

(9:16 pm IST)