Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સ્‍પેશ્‍યલ એડવાન્‍સ સ્‍કીમ દ્વારા તમામ કેન્‍દ્રીય કર્મચારીઓને 10 હજાર એડવાન્‍સ આપવાની જોગવાઇનો એક જ વખત ઉપયોગ થઇ શકશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્હી: કોરોના સંકટથી પ્રભાવિત થયેલી દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જે હેઠળ નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે LTC કેશ વાઉચર અને સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે સ્પેશિયલ એડવાન્સ સ્કીમ દ્વારા તમામ કેન્દ્રીય કર્મચારીઓને 10,000 રૂપિયા એડવાન્સ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેનો ફક્ત એક જ વાર ઉપયોગ થઈ શકે છે.

કેન્દ્ર સરકારની LTC કેશ વાઉચરની યોજના સંબંધિત ત્રણ મુખ્ય વાતો છે જે અંગે તમને જાણકારી હોવી ખુબ જરૂરી છે.

1. એલટીટી કેશ વાઉચર યોજના હેઠળ સરકારે 2018-21 દરમિયાનની એક એલટીસીના બદલે કર્મચારીઓને કેશ ચૂકવણી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પાત્રતાની શ્રેણીના આધારે લીવ એનકેશમેન્ટ પર પૂર્ણ ચૂકવણી અને એલટીસી ભાડાની ટેક્સ-મુક્ત ચૂકવણી 3-ફ્લેટ રેટમાં કરવામાં આવશે.

2. આ યોજનાનો લાભ ઉઠાવનારા કર્મચારીઓને LTCની રકમના ત્રણ ગણા ખર્ચ કરવા પડશે. તેમણે એ જ સામાન ખરીદવાનો રહેશે જેના પર 12 ટકા ઉપર GST લાગતો હોય. સામાન ફક્ત GST રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે. આ ઉપરાંત ખર્ચના ઈનવોઈસ પણ દેખાડવા પડશે. ત્યારે જ છૂટ મળશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓએ 10 દિવસના લીવ એન્કેશમેન્ટને પણ ખર્ચ કરવાનો રહેશે. આ તમામ ખર્ચા 31 માર્ચ 2021 સુધી કરવાના રહેશે. તમામ ખર્ચા અને ખરીદના પેમેન્ટની ડિટેલ ડિજિટલ મોડમાં હોવી જોઈએ.

3. સરકારની આ યોજનાનો વધુમાં વધુ કર્મચારીઓ લાભ ઉઠાવે તેવી શક્યતા છે. કારણ કે તેઓનો ચાર વર્ષનો બ્લોક 2021માં ખતમ થઈ રહ્યો છે. ત્યારબાદ LTC બેકાર થઈ જશે. એટલે કે તેનો લાભ મળી શકશે નહીં. આથી કર્મચારીઓ એવા ઉત્પાદનો પર ભાર મૂકશે તે તેમને અને તેમના પરિવારના કામે આવી શકે.

(5:32 pm IST)