Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આરોપી અલ્વાને ઝડપવા વિવેક ઓબેરોયના ઘરે રેડ

સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઈમની કાર્યવાહી : અભિનેતનો સાળો ડ્રગ્સ કેસમાં આરોપી હોઈ તેની સામે વોરંટ નિકળતા સીસીબીએ સઘન તપાસ હાથ ધરી

મુંબઈ, તા. ૧૫ : બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (સીસીબી)એ બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે દરોડા પાડ્યા છે. વિવેકની પત્નીના ભાઈ આદિત્ય અલ્વા બેંગલુરુ ડ્રગ્સ કેસમાં આરોપી છે. પોલીસે આદિત્યને શોધવા માટે વિવેકના મુંબઈ સ્થિત નિવાસસ્થાને રેડ પાડી હતી. આદિત્ય વિરુદ્ધ કેસ દાખલ થયો ત્યારથી તે ભાગી છૂટ્યો છે. સીસીબીએ કોર્ટ વોરંટ સાથે વિવેકના ઘરે તપાસ કરી હતી.

સીસીબી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કોટનપેટ કેસમાં આદિત્ય અલ્વા ફરાર છે. વિવેક ઓબેરોય તેમના સંબંધી છે, અમને સૂચના મળી હતી કે અલ્વા તેમને ત્યાં સંતાયો છે. તેથી અમે તપાસ કરવા માગતા હતા. જેથી કોર્ટ વોરંટ સાથે સીસીબીની ટીમ મુંબઈમાં વિવેક ઓબેરોયના ઘરે ગઈ હતી.

તમને જણાવી દઈએ કે બોલિવુડ ડ્રગ કેસની જેમ સાઉથમાં છેલ્લા કેટલાક સમયથી સેન્ડલવુડ ડ્રગ કેસમાં ઘણાં મોટાં નામ સામે આવ્યાં છે. આ ડ્રગ કેસમાં રાગિણી દ્વિવેદીનું નામ પણ છે. સીસીબીની ટીમે આદિત્યના ઘરે સીસીબીની ટીમે પહેલા જ દરોડા પાડ્યા હતા.

આ હાઈ પ્રોફાઈલ ડ્રગ કેસમાં ઘણાં મોટાં નામો સામે આવ્યા છે. કેટલાક પેડલર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા પૈકી એક આરોપીએ આદિત્ય અલ્વાના નામ આપ્યું હતું. તે સમયે હેબ્બલ નજીક આવેલા આદિત્ય અલ્વાના ઘરે તપાસ કરવામાં આવી હતી. આ માહિતી બેંગલુરુના જોઈન્ટ કમિશનર ક્રાઈમ સંદીપ પાટિલે આપી હતી.

આદિત્ય અલ્વા પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાનો દીકરો છે. કહેવાય છે કે હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં આદિત્ય મોટાભાગે જોવા મળતો હતો. તેની બહેન પ્રિયંકા અલ્વાના લગ્ન વિવેક ઓબેરોય સાથે થયા છે. સેન્ડલવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધી એક્ટ્રેસ રાગિણી દ્વિવેદી ઉપરાંત ડ્રગ્સ પેડલર્સ રવિશંકર, શ્રી પ્રકાશ, રાહુલ શેટ્ટી, વિરેન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. રાગિણીએ ડ્રગ ટેસ્ટ દરમિયાન પેશાબમાં પાણી મિક્સ કરીને સેમ્પલ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરીથી તેમના નમૂના લીધા.

(7:19 pm IST)