Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

૨૦૨૧માં ભારતની માથાદીઠ GDP ૮.૨ ટકા વધવાનો અંદાજઃ IMF

આ આ વર્ષે ભારતનો GDP દ્યટશેઃ નેપાળ અને ભૂતાનની GDP વધશે

નવી દિલ્હી,તા. ૧૫: છેલ્લા કેટલાક સમયથી ભારતના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે, અને તેમાંય કોરોનાએ જાણે પડતા પર પાટું માર્યા જેવો ઘાટ સજર્યો છે. આ સમયે જો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના લેટેસ્ટ રિપોર્ટ પર નજર કરવામાં આવે તો, હવે માથાદીઠ GDPદ્ગક દ્રષ્ટિએ બાંગ્લાદેશ જેવો ગરીબ દેશ ભારત કરતા આગળ નીકળવાની તૈયારીમાં છે.

IMFના અંદાજ અનુસાર, ભારતની માથાદીઠ GDP ૨૦૨૦માં ઘટીને ૧,૮૭૭ ડોલર થશે, જે ૧૦.૩ ટકા જેટલો ઘટાડો સૂચવે છે. સામે પક્ષે બાંગ્લાદેશની માથાદીઠ GDPઆ જ ગાળા દરમિયાન ૪ ટકાના વધારા સાથે ૧,૮૮૮ ડોલર થશે. થોડા વર્ષો પહેલા માથાદીઠ GDPના મામલે ભારત બાંગ્લાદેશથી ઘણું આગળ હતું, પરંતુ બંને દેશો વચ્ચેનો તફાવત ધીરે-ધીરે ઘટી રહ્યો છે. ભારતની સરખામણીમાં બાંગ્લાદેશની નિકાસોમાં ઝડપી વધારા ઉપરાંત, બચત અને રોકાણમાં પણ વધારો થવાનું આ પરિણામ છે.જો IMF દ્વારા વ્યકત કરાયેલો અંદાજ સાચો પડ્યો, તો ભારત માત્ર પાકિસ્તાન અને નેપાળ કરતા માથાદીઠ GDPમાં આગળ રહી જશે. તેનો મતલબ એવો પણ થાય છે કે, દક્ષિણ એશિયામાં ભૂતાન, શ્રીલંકા, માલદિવ્ઝ અને બાંગ્લાદેશ ભારત કરતા વધારે માથાદીઠ GDPધરાવતા હશે.

વળી, IMFએ પોતાના રિપોર્ટમાં એવો અંદાજ પણ વ્યકત કર્યો છે કે, આ વર્ષે ભારતનો GDP ઘટશે, જયારે નેપાળ અને ભૂતાનની GDPવધશે.IMF દ્વારા ભારતીય અર્થતંત્ર માટે જે અંદાજ વ્યકત કરાયો છે, તે RBI અને વર્લ્ડ બેંકના અંદાજ કરતા પણ નીચો છે. RBI ભારતના GDPમાં ૯.૫ ટકા જયારે વર્લ્ડ બેંકે ૯.૬ ટકાના ઘટાડાનો અંદાજ વ્યકત કર્યો છે. જયારે, IMF દ્વારા તેમાં ૧૦.૩ ટકાના ઘટાડાનો અંદાજ વ્યકત કરાયો છે.

પોતાના રિપોર્ટમાં IMFએ જણાવ્યું છે કે, ઈટાલી અને સ્પેન બાદ સમગ્ર વિશ્વમાં ભારતના GDPમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી શકે છે. જે વિકાસમાન અને ઉભરતા અર્થતંત્રમાં સૌથી વધારે હશે. ચીનનું અર્થતંત્ર પણ આ વર્ષમાં ૫.૭ ટકા જેટલું સંકોચાઈ શકે છે તેવો અંદાજ IMFદ્વારા વ્યકત કરાયો છે. પોતાના રિપોર્ટમાં તેણે જણાવ્યું છે કે, આ ઘટાડો જૂન મહિનામાં વ્યકત કરાયેલા ૫ ટકાના અંદાજ કરતા વધારે છે.

IMFએ પોતાના રિપોર્ટમાં ભારત માટે ૨૦૨૧માં સ્થિતિ ઘણી સારી હશે તેમ પણ જણાવ્યું છે. સંસ્થા દ્વારા વ્યકત કરાયેલા અંદાજ અનુસાર, ૨૦૨૧માં ભારત બાંગ્લાદેશ કરતા માથાદીઠ GDPમાં આગળ નીકળી જશે. ૨૦૨૧માં ભારતની માથાદીઠ GDP ૮.૨ ટકા વધવાનો અંદાજ છે. જયારે આ જ ગાળામાં બાંગ્લાદેશની માથાદીઠGDP ૫.૪ ટક વધશે. આ વધારા સાથે ભારતની માથાદીઠ GDP ૨,૦૨૦ ડોલર જયારે બાંગ્લાદેશની ૧,૯૯૦ ડોલર રહી શકે છે.

(3:16 pm IST)