Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પત્નીએ દહેજનો કેસ કરતા પતિએ જજની નોકરી ગુમાવી

પતિ સામે પત્નીએ દહેજ માટે ત્રાસની ફરીયાદ કરી : એપોઇન્ટમેન્ટ કેન્સલ થયાના એક વર્ષ બાદ પતિનો કોર્ટમાંથી છુટકારો થયો, પરંતુ હાથમાં આવેલી નોકરી ગઇ

ભોપાલ,તા.૧૫: એડવોકેટ પતિ સામે તેની પત્નીએ દહેજ માટે ત્રાસ ગુજાર્યાની કલમ ૪૯૮છ હેઠળ ફરિયાદ નોંધાવતા પતિને જજની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે ઉમેદવાર વિરુદ્ધ થયેલા ક્રિમિનલ કેસને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે તેની નિમણૂંક રદ્દ કરવાનો જે નિર્ણય લીધો છે તે બરાબર છે. આરોપ સાબિત ના થાય ત્યાં સુધી વ્યક્તિ નિર્દોષ જ ગણાય તેવા કાયદાના સિદ્ધાંતને જજ જેવા પદ માટે મર્યાદિત કરતા જસ્ટિસ અશોક ભૂષણ અને એમઆર શાહની બેંચે જણાવ્યું હતું કે એક્ઝામિનેશન-કમ-સિલેક્શન એન્ડ અપોઈન્ટમેન્ટ કમિટિ દ્વારા પણ ઉમેદવાર વિરુદ્ધ નોંધાયેલા કેસને ધ્યાનમાં રાખીને જ લેવાયો હતો. મહત્વની વાત એ છે કે, ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પસંદગી પામેલા આ ઉમેદવારને પાછળથી ટ્રાયલ કોર્ટે તમામ આરોપમાંથી મુક્ત કર્યા હતા. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે તેમની પસંદગી થઈ, અને નિમણૂંક આપવાની હતી તે પહેલા તેમની સામે કેસ પેન્ડિંગ હતા. આ કિસ્સામાં હવે ઘડિયાળના કાંટા પાછા ફેરવી શકાય તેમ નથી. પોતાના જજમેન્ટમાં જસ્ટિસ ભૂષણે જણાવ્યું હતું કે, અપોઈન્ટમેન્ટ કમિટિ દ્વારા લેવાયેલો નિર્ણય જે-તે સમય, સ્થિતિ અને તેને પ્રાપ્ત સત્તાની મર્યાદાને અનુરુપ હતો, અને તેને અયોગ્ય ઠેરવી ના શકાય. નોકરી માટે પસંદગી થયાના એક વર્ષથી પણ વધુ સમય બાદ ઉમેદવારને ટ્રાયલ કોર્ટે આરોપ મુક્ત કર્યા છે, પરંતુ તેના આધારે ઘડિયાળના કાંટા તો પાછા ફેરવી ના શકાય. ઉમેદવાર તરફે સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ આર વેંકટરમાણીએ દલીલ કરી હતી કે સિલેક્શન લિસ્ટમાંથી તેમના અસીલનું નામ ડિલિટ કરી દેવાતા તેમના પર એક પ્રકારે કલંક લાગ્યું છે, જેને દૂર કરવા સુપ્રીમે તેમને સાંભળવા જ જોઈએ. તેમણે એવી દલીલ પણ કરી હતી કે તેમના અસીલને ડિસ્ટ્રિક્ટ જજ મળવાની તક મળવી જોઈએ, કારણકે તેમણે અપોઈન્ટમેન્ટ કમિટિને પહેલાથી જ તેમની પત્નીએ તેમના વિરુદ્ધ કરેલી ફરિયાદની જાણ કરી હતી, અને તેમનો તેમાં છૂટકારો પણ થયો છે.

(3:15 pm IST)