Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

અહો આશ્ચર્યમ : ફ્રીઝરમાં મુકેલ મૃતદેહ ૨૦ કલાક પછી જીવીત નિકળ્યો !!!

મોટાભાઇ ગંભીર હતા ત્યાં જ મૃત સમજીને નાનાભાઇએ ફ્રીજર બોકસમાં મુકી દીધા હતા

ચેન્નઇ તા. ૧૫ : આશ્યર્ચ ચકિત કરી દેતી એક ઘટના ચેન્નઇમાં નોંધાઇ છે. જેને મૃત માનીને ફ્રીઝરમાં મુકી દેવામાં આવેલ તે વ્યકિત ૨૦ કલાક પછી જીવીત નિકળી હતી. વાત મળતા જ પોલીસ દોડી આવી હતી અને ફ્રીઝરમાંથી જીવતા બહાર કાઢવામાં આવેલ વૃધ્ધને સલેમ શહેરની સરકારી હોસ્પિટલમાં તપાસ માટે પહોંચાડયા હતા. જયાં ડોકટરો પણ માથુ ખંજવાળવા લાગ્યા હતા અને આને ચમકારથી ઓછું આંકી ન શકાય તેવી દ્વીધામાં પડી ગયા હતા. સ્થાનીક પોલીસે જાહેર કરેલ વિગતો મુજબ બાલાસુબ્રહ્મમણ્યમ કુમાર ચેન્નઇ પાસેના સલેમ શહેરમાં કંદમપટ્ટી પાસે ઓલ્ડ હાઉસીંગ બોર્ડ ખાતે રહે છે. આશરે ૭૦ વર્ષીય નાના ભાઇ શ્રવણ અને બહેનની દીકરી ગીતા સાથે જીવન ગુજારો કરી રહ્યા હતા. મોટી ઉંમરને લઇને તેમને ઘણી બીમારીઓ હતી. બે મહીનાથી પથારીવશ હતા. છેલ્લા અઠવાડીયામા તેમની તબીયત લથડતા કોઇમ્બતુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. ગત સોમવારે નાના ભાઇએ બાલસુબ્રહ્મણ્યમને બીમાર હાલતમાં જ હોસ્પિટલેથી ઘરે લાવી એક ફ્રીઝર બોકસ મંગાવી તેમાં મુકી દીધા હતા. ભાઇ ગુજરી ગયાના સમાચાર સગા સંબંધીઓમાં વહેતા કરી દીધા. આ પછી ૨૦ કલાક જેટલો સમય વીત્યા બાદ મંગળવારે બપોરે કોઇ સગા તેમના ઘરે પહોંચ્યા અને જોયુ તો ફ્રીજર બોકસ કે જેમાં મૃતદેહ મુકવામાં આવ્યો હતો, તેમાં હલન ચલન થતી જોઇ. ત્યારે પણ મૃતકના નાનાભાઇએ સૌને એવુ જણાવેલ કે મૃતકનો આત્મા દેહ છોડવાની પ્રક્રિયા કરે છે એટલે એ હલન ચલન જોવા મળે છે. પરંતુ સગા સંબંધીએ બોકસ ખોલાવ્યુ અનુ બાલાસુબ્રહ્મણ્યમને સલેમ સ્થિત સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા. પોલીસનું કહેવુ છે કે શ્રવણની માનસિક હાલત ઠીક નથી. તેણે પોતાના ભાઇની ગંભીર હાલતને મૃત્યુ સમજી લીધુ અને આ આખી ઘટના બનવા પામી. જો કે પોલીસે હાલ હકીકત મેળવવા તપાસ શરૂ કરી દીધી છે.

(12:50 pm IST)