Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

અયોધ્યામાં ઉજવાશે અનોખી દિવાળી : લાખો દિવડા ઝગમગશે

કોવિડ-૧૯ ની પરિસ્થિતી ધ્યાને લઇ કરાયુ વિશેષ આયોજન : રાજયાભિષેક નહીં થાય પણ રામલીલા ભજવાશે : સરયુ તટે થશે રામ રાવણનું યુધ્ધ

અયોધ્યા તા. ૧૫ : રામજન્મભૂમિ પરિસરમાં ભવ્યતાથી દિપોત્સવ મનાવવાની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવ વખતે રામલલ્લાના અસ્થાઇ મંદિરને દીવડાઓથી ઝળહળતુ કરાશે. તેમજ મંદિર નિર્માણ સ્થળ પર પણ મોટી સંખ્યામાં દીપ પ્રાગટય થશે. જે માટે શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આદરવામાં આવી છે. આ અવસરને લઇને અયોધ્યાવાસીઓના હૈયે અનેરો ઉમંગ છવાયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે પ૦૦ વર્ષ પછી પછી રામલલ્લા જન્મસ્થળે દીપોત્સવ આયોજન થયુ છે. આ ઘડીને સૌ માણી શકે તે હેતુથી લાઇવ ટેલીકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

દીપોત્સવમાં પધારવા માટે પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદીત્યનાથજીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

આમ તો રામનગરી અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકાર લગાતાર ત્રણ વર્ષથી દીપોત્સવનું આયોજન કરતી આવી છે. પરંતુ આ વર્ષે કોવિડ-૧૯ ની પરિસ્થિતીને ધ્યાને લઇ થોડુ અલગથી આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે દીપોત્સવમાં ભગવાન રામનો રાજયાભિષેક નહીં કરાયો. પરંતુ આખુ અયોધ્યા મઠ, મંદિર, સરયુ ઘાટ, રામ કી પૈડી સહીત ઘરે ઘરે દીવડા ઝળહળાવી અનોખો ઉત્સવ મનાવવા આયોજન કરાયુ છે.

સૌથી વધુ આતુરતા લોકોને રામલીલાની હોય છે. આ વષે પણ રામલીલા થશે. ૧૭ ઓકટોબરથી શરૂ થનાર આ રામલીલા માટે વસ્ત્ર પરીધાન માટે પણ ખુબ મોટી તૈયારી કરવી પડતી હોય છે. ભગવાન રામના પોષાક નેપાળથી આવશે. જયારે રાવણ માટે ખાસ લંકામાં તૈયાર થઇને આવશે.

આ રામલીલાની એક વિશેષતા એ પણ છે કે ભોજપુરી, મરાઠી, પંજાબી, ઉડીયા એમ ૧૪ ભાષામાં તે પ્રસારીત કરવામાં આવે છે. દેશના દરેક રાજયો તેને માણી શકશે.

હજુ એક રોમાંચક વાત રામ રાવણના યુધ્ધની છે. સરયુ તટ પર રામ રાવણના યુધ્ધના દ્રશ્યો સર્જાશે. રામલીલા મંચનનો જ આ એક ભાગ હોય છે. જેમાં ઉડતા હનુમાન સૌને ભરપુર મનોરંજન કરાવે છે. સ્પેશ્યલ ઇફેકટથી આ દ્રશ્યોને રોમાંચકારી બનાવવામાં આવશે. અભિનેતા બિંદુ દારા સિંહ હનુમાનનું પાત્ર નિભાવશે. ઉપરાંત મેરઠ જિલ્લા પંચાયત અધ્યક્ષ કુલવિંદરસિંહના પિતા મુખિયા ગુર્જર કુંભકર્ણનું અને પરવિંદરસિંહ શત્રુઘ્ન તથા હાપુડના સોનુ ડાગર રામનું પાત્ર ભજવશે.

ભગવાન શ્રીરામના પગલા જયાં જયાં પડયા હતા તેવા ૧૮ સ્થળોની માટી એકત્ર કરી અહીં કળશમાં પધરાવી પૂજન કરાશે.

ટુંકમાં દીવાળીને લઇને રામલલ્લા પરિસરમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

(12:47 pm IST)