Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણીને સૌ પહેલું કામ જામનગરની ટાઉનશીપની દેખરેખનું સોંપ્યું હતું

અનુભવ નહોતોઃ ૩ વર્ષ સુધી દર સપ્તાહમાં ર દિવસ કોમ્પ્લેક્ષ જોવા જતીઃ ત્યાં બધા મને સર કહેતા : નીતા અંબાણી : રિલાયન્સમાં રોજ ટારગેટ પુરો કરવાનો હોય છેઃ તેની મશીનરી કદી અટકતી નથી

મુંબઇ, તા. ,૧પ : એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અવારનવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમોમાં ભાગ લે છે. એટલું જ નહીં રિલાયન્સના સ્પોર્ટસ વેન્ચર અને રિલાયન્સ ફાઉન્ડેશનનું કામકાજ પણ તે સંભાળે છે. મધ્યમ વર્ગમાં જન્મેલ નીતા અંબાણીના પિતા બિરલા ગૃપમાં કામ કરતા હતા અને અંબાણી નીતા ભલે મધ્યમ વર્ગના પરિવારના હતા પણ મુકેશ સાથે લગ્ન થયા પછી તેમણે ઝડપથી પોતાનામાં બીઝનેસ સ્કીલ વિકસાવી લીધી હતી.

ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, નીતા અંબાણીએ જ એક વાર કહ્યું હતું ''મેં  શરૂઆતના દિવસોમાં જ મુકેશને કહ્યું હતું કે હું ફકત શોભાનો ગાંઠીયો બનીને નથી રહેવા માંગતી.'' નીતા  અને મુકેશના લગન ૧૯૮પ માં થયા હતા. નીતાએ સ્પેશ્યલ એજયુકેશનમાં ડીપ્લોમાં કર્યો હતો અને લગ્ન પછી કેટલાક વર્ષો સુધી શિક્ષીકા તરીકે કામ કર્યુ હતું. નીતા અંબાણી જણાવે છે કે એ વખતે લોકો આશ્ચર્યથી મારી સામે જોતા કે મારે કામ કરવાની શું જરૂર છે પણ મુકેશે હંમેશા મને પ્રોત્સાહિત કરી જો કે ૧૯૯૧માં જોડીયા બાળકોને જન્મ આપ્યા પછી નીતાએ લાંબો બ્રેક લીધો હતો. આકાશ અને ઇશાનો જન્મ આઇવીએફ ટેકનીકથી થયો હતો અને તેમના પર વધારે ધ્યાન આપવાની જરૂર હતી.

પછી છ વર્ષ પછી નીતાએ ફરીથી કામ શરૂ કર્યુ હતું. તે વખતે મુકેશ અંબાણી જામનગરમાં એક ટાઉનશીપ તૈયાર કરી રહ્યા હતા, જયાં રિલાયન્સની મોટી રીફાઇનરી છે. મુકેશે આ કામની દેખરેખની જવાબદારી નીતાને સોંપી હતી. ત્યારે નીતા અંબાણી એ કહ્યું હતું કે જયારે મારી પાસે કોઇ અનુભવ ન હોતો તે પછી ત્રણ વર્ષ સુધી દર અઠવાડીયે બે દિવસ આ કોમ્પ્લેકસનું કામ જોવા જતા હતા.

ફોર્બ્સના રીપોર્ટ અનુસાર નીતા અંબાણી ત્યારના સમયને યાદ કરીને કહે છે કે ત્યારે ત્યાં મને દરેક વ્યકિત સર કહીને બોલાવતા અને હું ત્યાં એક માત્ર મહિલા હતી. નીતાએ પોતાના તે અનુભવ અંગે કહયું હતું કે રિલાયન્સમાં રોજ ટાર્ગેટ પુરૂ કરવાનું હોય છે અને તેનું કામ કયારેય રોકાતુ નથી. અત્યારે જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં ૧૭૦૦૦ લોકો રહે છે. આ એક પ્રકારનું નીતા અંબાણીને મળેલું પહેલુ એસાઇનમેન્ટ હતું જેને તેમણે સફળતાપુર્વક પાર પાડયું હતું. ત્યાર પછી તો નીતા અંબાણીએ રિલાયન્સના કામમાં ઝડપથી ભાગ લેવાનું શરૂ કર્યુ. સૌથી પહેલા તેમને ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની જવાબદારી મળી હતી. મુંબઇની આ પ્રખ્યાત સ્કુલમાં તેમના બાળકો પણ ભણ્યા હતા. એટલું જ નહી નીતા અંબાણીએ શાળા પર લાગેલ લાગેલ એલીટ ટેગ હટાવીને ઇવનીંગ કલાસમાં શેરીના બાળકોને પણ સામેલ કરવાનું ચાલુ કર્યુ. ત્યાર પછી ર૦૦૮માં આઇપીએલની મુંબઇ ઇન્ડીયન્સ ટીમને રિલાયન્સે ખરીદી તો તેનું કામકાજ પણ નીતાએ સંભાળ્યું હતુ અને આજે પણ તેનું મેનેજમેન્ટ કરે છે.

(11:35 am IST)