Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બે સમલૈંગિક યુગલની લગ્ન માટે અરજી પર કેન્દ્ર પોતાનું વલણ સ્પષ્ટ કરેઃ દિલ્હી હાઈકોર્ટ

સમાન લિંગના આધારે કોઈ ભેદભાવ ના કરી શકાયઃ મેનક ગુરૂસ્વામી

નવી દિલ્હી,તા. ૧૫: સમલૈંગિક લગ્ન માટે કરવામાં આવેલી અરજી અંગે દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે હવે આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ આપી વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. અરજદાર તરફથી માગ કરવામાં આવી છે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે અને એને સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ સામેલ કરવામાં આવે. હવે આ અંગે આગામી સુનાવણી ૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થશે.

 

દિલ્હી હાઈકોર્ટે પોતાની નોટિસમાં કહ્યું છે કે આ કોઈ સામાન્ય અરજી નથી, એવામાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ આ બાબતને ગંભીરતાથી લે. આ નાગરિક અધિકારોનો પ્રશ્ન છે. સુનાવણી દરમિયાન રજિસ્ટ્રારના વકીલે કહ્યું હતું કે સનાતન ધર્મના પાંચ હજાર વર્ષના ઈતિહાસમાં આ પ્રકારનો કેસ આવ્યો નથી.

આ કેસમાં બે કપલ અરજદાર છે. એક વ્યકિતને પોતાની મરજીની વ્યકિત સાથે લગ્ન કરવા માટે લિંગના આધારે અટકાવી દેવાઈ છે. બીજું કપલ જેણે ન્યૂયોર્કમાં લગ્ન કર્યા હતા, પણ ભારતીય એમ્બેસીમાં તેમના લગ્નનું રજિસ્ટ્રેશન થઈ શકયું ન હતું.

જસ્ટિસ આર એસ એન્ડલો એ આશા મેનની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે અને તેમણે કેન્દ્ર તેમજ દિલ્હી સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નોટિસ પાઠવી છે. બે મહિલાઓએ સ્પેશ્યિલ મેરેજ એકટ હેઠળ સમલૈંગિક લગ્ન કરવાની મંજૂરી માગતી અરજી કરી છે.

દરમિયાન કોર્ટે બે પુરૂષોની લગ્નની અરજીમાં કેન્દ્ર તેમજ ન્યૂયોર્ક સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાને પણ નોટિસ પાઠવી છે. આ બન્ને પુરૂષોએ અમેરિકામાં લગ્ન કર્યા છે પરંતુ ફોરેન મેરેજ એકટ હેઠળ તેમના લગ્નની નોંધણી દેશમાં કરવાનો ઈનકાર કરાયો હતો.

વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ આ બન્ને અરજદારો વતી દલીલ કરતા કોર્ટમાં જણાવ્યું હતું કે અરજકર્તાઓ ધાર્મિક કાયદા અંતર્ગત કોઈ રાહતની માગ નથી કરી રહ્યા પરંતુ તેઓ નાગરિક કાયદો જે દરેક આંતર જાતિય અને આંતર શ્રદ્ઘા ધરાવતા યુગલો માટે છે તે તેમને પણ લાગુ પડે તેવી માગ કરી રહ્યા છે.

(11:08 am IST)