Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મહારાષ્ટ્રમાં આકાશી આફત : મુંબઇ -પૂણે જળબંબાકાર

હૈદ્રાબાદ બાદ હવે મહારાષ્ટ્રમાં મેઘરાજાએ સટાસટી બોલાવી : રાતભર ભારે વરસાદ : મુંબઇ-પુણેમાં ગોઠણ સુધીના પાણીઃ મુંબઇના જનજીવનને માઠી અસરઃ રેડ એલર્ટ જાહેરઃ હજુ ભારે વરસાદ પડવાની આગાહી

મુંબઇ,તા. ૧૫: હૈદ્રાબાદ બાદ હવે માયાનગરી મુંબઇમાં વરસાદે તબાહી મચાવી છે. મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણે સહિત અનેક વિસ્તારોમાં ગઇ કાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે શહેર પાણી-પાણી થઇ ગયું છે.મુંબઇ અને પૂણેમાં રાતભરમાં વરસાદ પડતા માર્ગો શેરીઓમાં ગોઠણ સુધીના પાણી ભરાઇ ગયા છે. બંને શહેરોમાં અનેક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. રેડ એલર્ટ જાહેર કરાયેલ છે. બંને શહેરોનું જનજીવન ઠપ્પ થઇ ગયું છે.ભારે વરસાદને કારણે અનેક લોક સુતા પણ નથી. સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલમાં માર્ગો ડુબી ગયા છે. હજુ ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.

તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં બુધવારે ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂર જેવી પરિસ્થિતિના વીડિયો અને તસવીરો સામે આવી હતી. બુધવારે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદના કારણે બનેલી અલગ-અલગ ઘટનાઓમાં ૩૧ લોકોનાં મોત થયા છે. તેલંગાણાની સાથે જ હવે મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં વરસાદે કહેર ફેલાવાનું શરૂ કરી દીધું છે. મુંબઈ અને પુણેમાં બુધવારની આખી રાત વરસાદ પડ્યો. ગુરૂવારે મુંબઈ સહિત અન્ય શહેરો માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઇમાં બુધવાર રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલની પાસે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. તેની સાથે જ મુંબઈના ભાયખલા, હિન્દમાતા, કુર્લા સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. બુધવારથી મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિત બીજા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે ઉત્ત્।ર કોંકણની સાથે મુંબઈ અને થાણે માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે કે કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટકના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ સેન્ટરની આસપાસ અને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને તેની નજીકના ઉત્ત્।ર કર્ણાટકમાં આગામી ૧૨ કલાક દરમિયાન પવન ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાવાની શકયતા છે અને બાદમાં તેની ઝડપ ૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શકયતા છે.

IMD અનુસાર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે. ૧૬ ઓકટોબરની સાંજે તે વધીને ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

(11:04 am IST)