Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

હેડકીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિની હાલત ખરાબ કરી,હોસ્પિટલમાં દાખલઃ સર્જરી થઈ શકે છે

હેડકીનું કારણ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છેઃ ટેસ્ટ રિપોર્ટના આધારે ડોકટર નક્કી કરશે કે બોલસોનારોને સર્જરીની જરૂર છે કે નહી?

બ્રાસિલિયા, તા.૧૫: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છેલ્લા કેટલાક દિવસથી સતત હેડકી આવે છે. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિની સર્જરી પણ થઈ શકે છે. આ મહિનાની શરૂઆતમાં બોલસોનારોએ ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કરાવ્યા હતા. ત્યારબાદથી તેમને સતત હેડકી આવે છે.

અલ ઝઝીરાના રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને રાજધાની સ્થિત મિલેટ્રી હોસ્પિટલમાં લઈ જવાયા છે. અહીં હેડકીનું કારણ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ટેસ્ટ રિપોર્ટના આધારે ડોકટર નક્કી કરશે કે બોલસોનારોને સર્જરીની જરૂર છે કે નહીં. આ બાજુ રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બોલસોનારો હવે સારું મહેસૂસ કરી રહ્યા છે. નિવેદનમાં કહેવાયું છે કે ૨૦૧૮માં એક ચૂંટણી રેલી દરમિયાન બોલસોનારોને પેટમાં ચાકૂ મારવામાં આવ્યું હતું. ત્યારબાદથી તેમની અનેક સર્જરીઓ થઈ છે.

ગત અઠવાડિયે એક લોકલ રેડિયો સ્ટેશન પર વાત કરતા બોલસોનારોએ કહ્યું હતું કે મારી સાથે પહેલા પણ આવું થયું હતું. બની શકે કે દવાના કારણે આવું થયું હોય. મને ૨૪ કલાક હેડકી આવે છે. બુધવારે હોસ્પિટલ દાખલ થયા તે પહેલા રાષ્ટ્રપતિએ પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે તેઓ જયારે પણ વધુ બોલવાની કોશિશ કરે છે ત્યારે ફરી હેડકી આવવા માડે છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો પોતાના વિચિત્ર નિવેદનો માટે જાણીતા છે. તેમણે કોરોના વાયરસને મામૂલી ફ્લૂ ગણાવ્યો હતો. જો કે એ વાત અલગ છે કે તેઓ ત્યારબાદ પોતે કોરોના પોઝિટિવ થયા હતા. આ ઉપરાંત ફાઈઝરની રસીની મજાક ઉડાવીને તેને લગાવવાની ના પાડી હતી. તેમણે તો એમ પણ કહ્યું હતું કે જો પુરુષ રસી લેશે તો તે મગરમચ્છ બની જશે અને મહિલાઓને મૂંછો ઉગી જશે.

(4:13 pm IST)