Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ધીમુ વેક્‍સીનેશન - છુટછાટો કારણભૂત

વિશ્વભરમાં નવા કેસમાં ૧૦ ટકાનો વધારો

૯ સપ્‍તાહના ઘટાડા બાદ ગયા સપ્‍તાહે કોરોનાથી મોત વધ્‍યા : ૫૫૦૦૦ના જીવ ગયા : જે અગાઉ કરતા ૩% વધુ છે

વોશિંગ્‍ટન તા. ૧૫ : દુનિયાભરમાં કોરોનાથી મોતની સંખ્‍યા ફરીથી વધવા લાગી છે. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાન (ડબલ્‍યુએચઓ)એ કહ્યું છે. ૯ અઠવાડિયાથી કોરોના કેસમાં ઘટાડા પછી ગયા અઠવાડિયે દુનિયામાં કોરોના વાયરસના લગભગ ૩૦ લાખ નવા કેસ આવ્‍યા છે. આ વાયરસથી મોતના કેસમાં પણ ૩ ટકાનો વધારો થયો છે. આવી જ રીતે ગયા અઠવાડિયે સંક્રમણના કેસ ૧૦ ટકા વધી ગયા છે.

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાએ બુધવારે પોતાના સાપ્‍તાહિક રિપોર્ટમાં સતત નવ અઠવાડિયાના ઘટાડા પછી ગયા અઠવાડીયે કોરોનાથી ૫૫૦૦૦ લોકોના મોત થયાનું જણાવ્‍યું છે જે ગયા અઠવાડીયાની સરખામણીમાં ૩ ટકા વધારે છે.

રિપોર્ટ અનુસાર સૌથી વધારે કેસ બ્રાઝીલ, ભારત, ઇન્‍ડોનેશીયા અને બ્રિટનમાં આવ્‍યા છે. ભારતમાં સૌથી પહેલા ઓળખવાળા ડેલ્‍ટા વેરીયન્‍ટના કેસ હવે ૧૧૧ દેશોમાં આવી ચૂક્‍યા છે. આગામી મહિનાઓમાં વૈશ્વિક સ્‍તરે સૌથી વધુ કેસ આ વેરીયન્‍ટના જ હશે.

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાએ કહ્યું કે, ભવિષ્‍યમાં કોરોનાનું વધુ સંક્રામક સ્‍વરૂપ બહાર આવી શકે છે અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ અને અન્‍ય નિયમોનું પાલન નહીં કરવાથી ઘણા દેશોમાં વધારે કેસ આવવાની તેમજ હોસ્‍પિટલોમાં દર્દીઓ અને મોતની સંખ્‍યા વધવાની આશંકા છે.

આ દરમિયાન અમેરિકામાં પણ જોરદાર રસીકરણ વચ્‍ચે કોરોના કેસોએ ગતિ પકડી લીધી છે. અહીં મંગળવારે ૨૮૯૨૩ નવા કેસો આવ્‍યા હતા જે છેલ્લા ૫૬ દિવસોમાં સૌથી વધારે છે. આ પહેલા ૨૧ મેના દિવસે ૨૯,૨૦૦ નવા કેસ આવ્‍યા હતા. અમેરિકાની લગભગ ૪૯ ટકા વસ્‍તી બંને ડોઝ લઇ ચૂકી છે. જ્‍યારે ૭૭ ટકા લોકોને ઓછામાં ઓછા એક ડોઝ અપાઇ ચૂક્‍યો છે. તેમ છતાં પણ અડધાથી વધારે રાજ્‍યોમાં કેસ વધવા લાગ્‍યા છે. નવા કેસોમાંથી ૮૦ ટકા કેસ ડેલ્‍ટા વેરીયન્‍ટના છે.

(11:04 am IST)