Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પોખરણમાં આર્મી એરીયામાં શાકભાજી સપ્લાઈનો ઠેકો રાખનાર આઇએસઆઇનો જાસૂસ નીકળ્યો !

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો : હબીબખાનની ધરપકડથી જાસૂસીકાંડના મોટા નેટવર્કનો પર્દાફાશ

નવી દિલ્હી :પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે હબીબ ખાન નામના વ્યક્તિની રાજસ્થાનથી ધરપકડ કરી છે. હબીબ ખાન પર આરોપ છે કે તે પાકિસ્તાની જાસુસી એજન્સી ISI માટે ગુપ્ત જાણકારી લીક કરી રહ્યો હતો.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચનો દાવો છે કે હબીબ ખાનની ધરપકડથી એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ધરપકડ આઇએસઆઇ એજન્ટે કેટલાક ખુલાસા પણ કર્યા છે. હબીબની ક્રાઇમ બ્રાંચ સતત પૂછપરછ કરી રહી છે. જાણકારી અનુસાર હબીબને રાજસ્થાનના પોખરણમાં પકડવામાં આવ્યો છે. તે રાજસ્થાનના બીકાનેરનો છે.

કહેવામાં આવી રહ્યુ છે કે હબીબ ખાન સામાજિક ગતિવિધિઓ સાથે પણ જોડાયેલો હતો. તે સોશિયલ વર્કમાં એક્ટિવ રહેતો હતો. હબીબ ખાન ગત કેટલાક વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. હબીબ પાસે આર્મી એરિયામાં શાકભાજી સપ્લાય કરવાનો ઠેકો હતો. તે સેન્ય ક્ષેત્રમાં શાકભાજીની સપ્લાય કરતો હતો. સાથે જ પોખરણ વિસ્તારમાં ઇન્દિરા રસોઇમાં પણ શાકભાજીની સપ્લાયના ઠેકા સાથે પણ તે જોડાયેલો હતો.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમ હબીબ ખાનને રાજસ્તાનના પોખરણથી પકડીને દિલ્હી લઇ આવી હતી જ્યા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીઓએ પણ ISI માટે જાસૂસીના આરોપમાં પકડાયેલા હબીબની પૂછપરછ કરી છે. તપાસ એજન્સીઓને આશા છે કે હબીબ ખાનની પૂછપરછના આધારે ISIના મોટા નેટવર્કનો ખુલાસો થઇ શકે છે અને તેને ધ્વસ્ત કરવામાં સહાયક હશે.

(10:49 am IST)