Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ગુંડાતત્વો સામે અથડામણનો દોર હાલ જારી રહેશે : યોગી

અપરાધી તત્વોમાં યોગીની ચેતવણીથી દહેશત : ઉત્તરપ્રદેશમાં અપરાધીઓની સાથે ૧૨૦૦ અથડામણની ઘટના : ૪૦થી વધુ ખતરનાક અપરાધીઓને ઠાર કરાયા

લખનૌ, તા. ૧૫ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્ર યોગી આદિત્યનાથે આજે વિધાન પરિષદમાં વિપક્ષ ઉપર અપરાધીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતુ કે, ઉત્તર પ્રદેશમાં અપરાધીઓની સામે અથડામણ અને એન્કાઉન્ટરનો સિલસિલો જારી રહેશે. મુખ્યમંત્રીએ પ્રશ્નકલાક દરમિયાન ભાજપના સભ્ય દેવેન્દ્ર પ્રતાપસિંહને વ્યવસ્થાના પ્રશ્ને કહ્યું હતું કે, તમામ લોકો જાણે છે કે, અપરાધીઓને રક્ષણ કોણ આપે છે. પ્રદેશમાં પોલીસ સાથેની અથડામણ ઘણી બધી થઇ ગઇ છે. અપરાધીઓ સાથે અથડામણની ૧૨૦૦ ઘટનાઓ બની ચુકી છે. ૪૦ અપરાધીઓને ઠાર કરાયા છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા અને લોકોમાંથી દહેશતને દૂર કરવા આ સિલસિલો જારી રહેશે. યોગીએ કહ્યું હતું કે કેટલાક લોકો પ્રજા પ્રત્યે જવાબદારીના બદલે અપરાધીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે જે લોકતંત્ર માટે ખતરારુપ છે. તેમણે વિપક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, નોઇડામાં ત્રીજી ફેબ્રુઆરીના દિવસે જીતેન્દ્ર યાદવ નામના શખ્સને ગોળી મારવાની ઘટનાને પણ પોલીસે પણ અથડામણ ગણી નથી. પીડિતે પણ આને લઇને સહમતિ દર્શાવી છે. યોગીએ કહ્યું હતું કે જે મુદ્દો હવે રહ્યો નથી તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. ભાજપના સભ્ય દેવેન્દ્ર પ્રતાપસિંહની એવી સૂચના ઉપર તેઓ વાત કરી રહ્યા હતા. યોગીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. સરકાર આને લઇને કટિબદ્ધ છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી અપરાધીઓમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. અસામાજિક તત્વો સામે ઉત્તર પ્રદેશ સરકારે વ્યાપક ઓપરેશન હાથ ધર્યું છે જેમાં સફળતાઓ હાથ લાગી રહી છે. યોગી આદિત્યનાથે પણ આજે અથડામણો જારી રહેશે તેવો સંકેત આપીને તમામને ચોંકાવી દીધા છે. અપરાધીઓમાં પણ દહેશત ફેલાઈ ગઈ છે.

(7:42 pm IST)