News of Wednesday, 14th February 2018

GST રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવાશે

જીએસટીના દરોને તર્કસંગત બનાવ્યા બાદ હવે વેપારીઓને વધુ રાહત આપવા તૈયારીઃ જીએસટી કાનૂનમાં ફેરફાર પણ કરાશેઃ વેપારીઓએ દર મહિને ૩ રિટર્ન દાખલ કરવા નહિ પડેઃ માત્ર એક સરળ રિટર્ન ભરવુ પડશેઃ જીએસટી કાઉન્સીલની હવે પછીની બેઠકમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી તા.૧૪ : જીએસટીના દરોને તર્કસંગત બનાવ્યા બાદ સરકાર હવે રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી વેપારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત વ્યવસ્થામાં વેપારીઓએ દર મહિને ત્રણ રિટર્ન દાખલ કરવાની જરૂર નહી રહે તેઓ માત્ર એક સરળ રિટર્ન દાખલ કરી શકશે. જીએસટીની કાઉન્સીલની હવે પછી મળનાર બેઠકમાં આ પ્રકારના પ્રસ્તાવને મંજુરીની મહોર લાગી શકે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી નેટવર્ક ચેરમેન અજય ભુષણ પાન્ડેયના વડપણમાં જે સમિતિ રિટર્ન સરળ બનાવવા ઉપર વિચાર કરી રહી છે તે આ સપ્તાહના અંત સુધીમાં પોતાના રિપોર્ટને અંતિમ ઓપ આપી શકે છે. સમિતિ આ રિપોર્ટ જીએસટી કાઉન્સીલના મંત્રી સમૂહને સોંપશે. જેના અધ્યક્ષ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી છે. તે પછી કાઉન્સીલ આ મહિનાના અંતિમ સપ્તાહમાં મળનાર બેઠકમાં રિટર્નની પ્રક્રિયા સરળ બનાવવાના પ્રસ્તાવ ઉપર મહોર લગાવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રિટર્નની પ્રક્રિયાના સરળીકરણ માટે જીએસટી કાયદામાં પણ ફેરફારની આવશ્યકતા પડી શકે છે તેથી અધિકારીઓની સમિતિ જે ભલામણો કરશે તેના આધાર પર કાયદામાં સંશોધનનો મુસદ્દો તૈયાર કરી કાનૂન મંત્રાલયની સલાહ માટે મોકલવામાં આવશે. તે પછી તેને જીએસટી કાઉન્સીલની બેઠકમાં મુકવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રિટર્નની પ્રક્રિયાને સરળ બનાવવા માટે જે વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં સૌથી મહત્વનુ એ છે કે માત્ર એક જ રિટર્ન વેપારીઓ પાસે દાખલ કરાવવામાં આવશે. હાલ વેપારીઓએ જીએસટીઆર-૧, જીએસટીઆર-ર અને જીએસટીઆર-૩ના સ્વરૂપમાં દર મહિને ત્રણ રિટર્ન દાખલ કરવાના હોય છે. જો કે કમ્પોઝીશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનાર નાના અને મધ્યમ વેપારીઓમાં ત્રણ માસમાં એક જ વખત પોતાના ખરીદ અને વેચાણની વિગતો આપીને રિટર્ન દાખલ કરી શકે છે.

રિટર્નની જટિલ પ્રક્રિયાના બારામાં સતત વેપારીઓ આલમ તરફથી ફરિયાદો આવી રહી છે. વર્તમાન પ્રક્રિયા કેટલી જટિલ છે તેનો અંદાજો એ તથ્યથી લગાવી શકાય છે કે જીએસટી લાગુ થયાના ૭ મહિના બાદ પણ માસિક જીએસટીઆર-ર ફોર્મ ભરવામાં આવ્યા નથી. સાથોસાથ રિટર્ન દાખલ કરનાર વેપારીઓનો આંકડો પણ ઓછો રહ્યો છે.

આ જ કારણ છે કે કાઉન્સીલે રિટર્નની પ્રક્રિયા સરળ બનાવવા ઉપર વિચાર કરવો પડી રહ્યો છે. અત્રે એ નોંધનીય છે કે જીએસટી કાઉન્સીલની ગત બેઠક બાદ નાણામંત્રી જેટલીએ પણ આશ્વાસન આપ્યુ હતુ કે, ટુંક સમયમાં આ બારામાં પગલા લેવામાં આવશે. (૩-ર)

(4:03 pm IST)
  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST