Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નવા ૪૩ કેસઃ ૮૪ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન

કુલ કેસ ૪૪૮૫ થયાઃ ગઇકાલે ૬૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ૨૮૨૫ ડીસ્ચાર્જ થતા રિકવરી રેટ ૬૩.૫૯ ટકા થયોઃ૫ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૭ લોકોને તાવનાં લક્ષણો

રાજકોટ,તા.૧૪: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં કુલ કેસ ૪૪૮૫ થયા છે. આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૩ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૪૮૫  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૨૮૨૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૩.૫૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૭૦૦૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૯ ટકા થયો  હતો. જયારે ૬૫ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૨૯,૩૨૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૮૨૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૩  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  શકિત સોસાયટી- સંતકબીર રોડ, જીવનપ્રભા સોસાયટી- એરપોર્ટ રોડ, સીતારામ સોસાયટી- પેડક રોડ, સૈફી કોરોની- બેડીપરા, હુસેની ચોક- રામનાથ પરા, વાણીયાવાડી, મારૂતીનગર- એરપોર્ટ રોડ, કેવડાવાડી, શિવાજી પાર્ક- રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ૮૪ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૫ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૭ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૫,૮૩૨  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૭ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે રૈયાગામ, પંચાયત ચોક, ભારતીનગર, સદ્દગુરૂ વાટીકા, એરપોર્ટ રોડ, બજરંગ વાડી, જાગૃતિ સોસાયટી, અજંની સોસાયટી, સદ્દગરૂ વાટીકા, એરપોર્ટ રોડ, જાગૃતિ સોસાયટી, લાતી પ્લોટ, શાતિનગર, રંગોલી પાર્ક, અંબિકા ટાઉન શીપ  સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૪૮૫ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:10 pm IST)