Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભારત સામે ઈંગ્લેન્ડની ઇનિંગ 391 રનમાં સમેટાઈ : 27 રનની લીડ મેળવી : મહમદ સિરાજે 4 વિકેટ ઝડપી

શામીએ દિવસની રમતના અંતિમ બોલે વિકેટ મેળવતા ઈંગ્લેન્ડની ઈનીંગનો અંત : ઇશાંત શર્માએ ત્રણ વિકેટ લીધી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ લોર્ડઝ મેદાન પર રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમત ભારત માટે મહત્વની હતી. જે રમતની ભૂમિકા બોલરોએ નિભાવવાની હતી. પરંતુ અપેક્ષા મુજબ તેઓ સફળ રહ્યા નહોતા. ત્રીજા દિવસની રમતની શરુઆત ઈંગ્લેન્ડે 3 વિકેટે 119 રનના સ્કોર સાથે કરી હતી. કેપ્ટન જો રુટના શતક સાથે ઈંગ્લેન્ડે 391 રનની ઈનીંગ રમી હતી.

ભારત સામે ઈંગ્લેન્ડે 27 રનની લીડ મેળવી હતી. ભારતીય બોલરો બીજા અને ત્રીજા સેશનનમાં વિકેટો ઝડપવામાં સફળ રહ્યા હતા. અંતિમ સેશનમાં ભારતીય બોલર શામીએ દિવસની રમતના અંતિમ બોલે વિકેટ મેળવતા ઈંગ્લેન્ડની ઈનીંગનો અંત થયો હતો. કેપ્ટન રુટ અણનમ રહ્યો હતો.

જો રુટ 75 બોલમાં 48 રન કરીને અને જોની બેયરિસ્ટો 6 રન સાથે ત્રીજા દિવસની રમત શરુ કરી હતી. રુટે 180 રનની શાનદાર અણનમ રમત રમીને ઈંગ્લેન્ડને ભારત સામે મુશ્કેલીમાં મુકાતુ અટકાવ્યુ હતુ. ભારતીય ટીમની યોજના મોટી લીડ મેળવવાની હતી. પરંતુ રુટે કેપ્ટન ઈનીંગ રમીને ઈંગ્લેન્ડને ભારત સામે લીડ અપાવી હતી. જોની બેયરિસ્ટો સાથે મળીને 121 રનની ભાગીદારી રમત રમી હતી. બેયરિસ્ટોએ 58 રનની રમત રમી હતી.

અગાઉ ઈંગ્લેન્ડે ભારતના 364 રનના સ્કોર સામે પોતાની પ્રથમ ઈનીંગની શરુઆત ધીમી અને મક્કમ રીતે કરી હતી. શરુઆતની ઓવરો એટલે કે બીજા સેશનને ધીમી રમત સાથે પસાર કરી હતી. પરંતુ ટી બ્રેક બાદ અંતિમ સેશનની શરુઆતે જ ઈંગ્લેન્ડે સીબ્લી અને હસીબની વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ હતુ. જોકે બાદમાં કેપ્ટન જો રુટ અને રોરી બર્ન્સે રમતને સંભાળી હતી. જોકે બર્ન્સ 49 રને વિકેટ ગુમાવી બેઠો હતો.

જોસ બટલર 42 બોલમાં 23 રન અને મોઈન અલીએ 27 રન 72 બોલમાં કર્યા હતા. ત્યારબાદ સેમ કરન શૂન્યમાં અને ઓલી રોબીન્સન 6 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. માર્ક વુડ રન આઉટ થતાં પરત ફર્યો હતો. રુટ અને વુડ વચ્ચે રન માટે તાલમેલ નહીં જળવાતા વિકેટ ગુમાવી હતી. એકંદરે ત્રીજા દિવસની રમત ઈંગ્લેન્ડના પક્ષમાં રહી હતી. ઈંગ્લેન્ડે ભારતના સ્કોરને પહોંચવામાં સફળતા મેળવી હતી. અંતિમ વિકેટ એન્ડરસનના રુપમાં દિવસની રમતના અંતિમ બોલે ગુમાવી હતી.

મહંમદ સિરાજ ભારત તરફથી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ઈંગ્લેન્ડની બેટીંગ ઈનીંગની પ્રથમ બંને વિકેટ સળંગ બે બોલમાં મેળવી હતી. સિરાજે ઈનીંગમાં 4 વિકેટ મેળવી હતી. જ્યારે ઈશાંત શર્માએ 3 વિકેટ મેળવી હતી. ઈશાંત પણ સિરાજની માફક બે બોલમાં બે સળંગ વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. મહંમદ શામીએ 2 વિકેટ મેળવી હતી. જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ વિકેટ મેળવવાથી નિરાશ રહેવુ પડ્યુ હતુ. બુમરાહે ઈનીંગમાં 9 નો બોલ નાંખ્યા હતા.

(11:41 pm IST)