Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અફઘાનના ૬૫ ટકા પ્રદેશ પર હવે તાલીબાનનો કબજો

અફઘાનના સંખ્યાબંધ પ્રાંતો પર તાલીબાનનો કબજો : તાલિબાની નેતાઓ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માર્શલ અબ્દુલ રશિદ દોસ્તમના ઘરમાં પાર્ટી કરતા પણ નજરે પડ્યા હતા

નવી દિલ્હી, તા.૧૪ : તાલિબાને અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારમાં આવેલા પકતિયા પ્રાંત સહિતના સંખ્યાબંધ પ્રાંતો પર કબ્જો જમાવ્યો છે.

પૈકી પકતિયા પ્રાંતમાં તાલિબાને કોરોનાની રસી મુકવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અફઘાનિસ્તાનના એક રેડિયો તેમજ ટીવી પ્લેટફોર્મ દ્વારા જાણકારી આપવામાં આવી છે. પકતિયા પ્રાંત પર ગયા સપ્તાહે તાલિબાન આતંકીઓએ કબ્જો જમાવ્યો હતો. પ્રાંતના એક ગુરુદ્વારા પરથી તાલિબાનોએ પવિત્ર નિશાન સાહેબને હટાવ્યુ હતુ .

દરમિયાન ફેસબૂક પર એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તાલિબાની નેતાઓ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માર્શલ અબ્દુલ રશિદ દોસ્તમના ઘરમાં પાર્ટી કરતા પણ નજરે પડી રહ્યા છે.

એક અંદાજ પ્રમાણે તાલિબાને અફગાનિસ્તાનના ૬૫ ટકા હિસ્સા પર બક્જો જમાવી લીધો છે. હવે તે રાજધાની કાબુલથી નજીક છે. શુક્રવારે તાલિબાને કંદહાર, લશ્કરગાહ અને હેરાત પર કબ્જો કર્યો હતો. આજે તાલિબાને અફઘાનિસ્તાનના મહત્વના શહેર મજાર શરિફ પર પણ હુમલો કર્યો છે.

તાલિબાન સાથે અફઘાન સરકારે વાતચીત કરવાની પણ હવે ઓફર કરી છે. જોકે તેનો કોઈ જવાબ તાલિબાન તરફથી અપાયો નથી. તાલિબાન સત્તામાં ભાગીદારીની ઓફર સ્વીકારવા પણ તૈયાર નથી તેમ કહેવાઈ રહ્યુ છે. બીજી તરફ જંગમાં લાખો લોકો બેઘર થઈ રહ્યા છે અને રાહત છાવણીઓ ઉભરાઈ રહી છે.

(7:28 pm IST)