Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કાંગડા વિસ્તારમાં વાદળ ફાટવાથી વિનાશ : કરેરી લેકમાંથી સુફી ગાયક મનમીતસિંહનો મૃતદેહ મળ્યો

કાંગડા જિલ્લા પોલીસ અધિકારી વિમુક્ત રંજનએ પંજાબી ગાયક મનમીત સિંહના મોતની પુષ્ટિ કરી

હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વરસાદ-વાદળ ફાટવાની ઘટનાથી વિનાશ સર્જાયો છે. અહીં કરેરી તળાવ વિસ્તારમાંથી અનેક લાશ મળી હતી. આમાં પંજાબના સુફી ગાયક મનમીત સિંહની લાશનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ બચાવ ટીમે કુલ 6 મૃતદેહો બહાર કાઢ્યા છે. જેમાં એક મહિલા અને એક બાળકની ડેડબોડી પણ શામેલ છે. કરેરી ગામ નજીક બચાવ ટીમે પંજાબી સુફી ગાયક મનમીતસિંહનો મૃતદેહ પણ બહાર કાઢ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ગુમ થયેલા અન્ય લોકો પણ મૃત હોવાનું મનાય છે.

કાંગડા જિલ્લા પોલીસ અધિકારી વિમુક્ત રંજનએ ખુદ પંજાબી ગાયક મનમીત સિંહના મોતની પુષ્ટિ કરી છે. મનમીત સિંહ પોતાના ભાઈ અને ચાર મિત્રો સાથે ધર્મશાળામાં ગયા હતા. તેઓ પંજાબના અમૃતસરના રહેવાસી હતા. તેમનું ગાયક ગ્રુપ સેન બ્રધર્સના નામથી ખૂબ પ્રખ્યાત છે. મનમીત સિંહ પંજાબના જાણીતા સુફી ગાયક હતા. તેઓ ભારતની સાથે સાથે વિદેશમાં પણ ઘણા પ્રખ્યાત હતા.

 

ગાયક મનમીત સિંહ તેમના ભાઈ કર્ણપાલ અને ચાર મિત્રો સાથે ગયા શનિવારે ધરમશાળા ગયા હતા. બુધવારે કાંગડામાં વાદળ ફાટ્યું હતું. આ ઘટના બાદ તેઓ ગુમ થઈ ગયા હતા. તેમનો મૃતદેહ મંગળવારે કરેરી તળાવ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે તેઓ કરેરી તળાવ પાસે રોકાયા હતા. સોમવારે ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગાયક મનમીત સિંહ પાણીના પ્રવાહના કારણે તણાઈ ગયા હતા.

(11:34 am IST)