Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અમરનાથ યાત્રા પર મંત્રોચ્ચાર-જયજયકાર પર પ્રતિબંધ મુકાયો

અમરનાથને સાયલેન્ટ ઝોન જાહેર કરવાનો આદેશ જારી કરાયો : સમગ્ર વિસ્તારમાં ગ્લેશિયરોની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ :નવો વિવાદ થયો : મોબાઇલ ઉપર પણ પ્રતિબંધ લદાયો

નવીદિલ્હી,તા. ૧૩ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથ યાત્રા ઉપર જય જયકાર, મંત્રોચ્ચાર પર પ્રતિબંધ મુકી દીધો છે. બીજી બાજુ આને લઇને દેશભરમાં ભાજપમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ભાજપે આને એન્ટી હિન્દુ એજન્ડા તરીકે ગણાવીને આની ઝાટકણી કાઢી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથ યાત્રા દરમિયાન જય જયકારના નારા લગાવવા અને મંત્રોના ઉચ્ચારણ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. એનજીટીએ અમરનાથને સાયલેન્ટ ઝોન જાહેર કરવાનો આદેશ આપીને કહ્યું છે કે, આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિથી ખુબ જ સંવેદનશીલ છે. આ વિસ્તારમાં ગ્લેશિયરોની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇને અહીં હોબાળો અને ધાંધલ ધમાલ થવી જોઇએ નહીં. યાત્રીઓની સંખ્યા પણ મર્યાદિત હોવી જોઇએ. બીજી બાજુ આ વિવાદ ઉપર પણ જંગ છેડાઈ ગયો છે. કેન્દ્રમાં સરકારે આને એન્ટી હિન્દુ એજન્ડા ગણાવીને ઝાટકણી કાઢી છે. એનજીટીના અમરનાથ શ્રાઇન બોર્ડને આદેશ આપીને કહ્યું છે કે, અમરનાથમાં ઘંટીઓ પણ વાગવી જોઇએ નહીં. આ ઉપરાંત યાત્રીઓને મોબાઇલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ લઇ જવા ઉપર પણ પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો છે. એનજીટીએ પોતાના આદેશમાં કહ્યું છે કે, શ્રાઇન બોર્ડને એ બાબતને ધ્યાનમાં લેવાની જરૂર છે કે ત્યાં સ્ટોર રુમ બનાવવાની જરૂર છે. જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની ચીજવસ્તુઓ જમા કરી શકે છે. એટલું જ નહીં એનજીટીએ પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે, શ્રાઈન બોર્ડને આ બાબત નક્કી કરવી જોઇએ કે, લોકો છેલ્લા ચેક પોસ્ટથી અમરનાથ ગુફા સુધી એક લાઈનમાં થઇને આગળ વધે. બીજી બાજુ આ સમગ્ર મામલાને લઇને રાજનીતિની શરૂઆત થઇ ચુકી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને લઇને આગામી દિવસોમાં વિવાદ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. તેના અનેક આદેશમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

એનજીટીએ શું કહ્યું.....

        નવીદિલ્હી, તા. ૧૩ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અમરનાથ યાત્રાને લઇને કેટલાક આદેશો જારી કર્યા છે જેને લઇને ભારે હોબાળો થઇ ગયો છે. અમરનાથ યાત્રાને લઇને એનજીટી દ્વારા કરાયેલા આદેશ નીચે મુજબ છે.

*   અમરનાથ યાત્રામાં જય જયકાર અને મંત્રોના ઉચ્ચારણ પર પ્રતિબંધનો આદેશ

*   યાત્રીઓની સંખ્યાને પણ મર્યાદિત કરવાની જરૂર છે

*   યાત્રીઓને મોબાઇલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ લઇ જવાની મંજુરી હોવી જોઇએ નહીં

*   અમરનાથ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ

*   અમરનાથ શ્રાઈન બોર્ડને સ્ટોર રુમ બનાવીને શ્રદ્ધાળુઓની ચીજવસ્તુઓ ત્યાં મુકાવવી જોઇએ

*   છેલ્લા ચેકપોસ્ટથી અમરનાથ ગુફા સુધી શ્રદ્ધાળુ એક લાઈનમાં આગળ વધે તેની પણ જરૂર છે

(7:54 pm IST)