Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

આધારનો ઉલ્લેખ કરવાની મહેતલ ૩૧મી માર્ચ કરાઈ

સરકાર દ્વારા વધુ ત્રણ મહિનાની મહેતલ વધારાઈ : સુપ્રીમમાં સુનાવણી શરૂ કરાઇ : નાણાંકીય લેવડદેવડમાં પેન અને આધારને ટાંકવા માટેની મહેતલ વધતા રાહત

નવીદિલ્હી,તા. ૧૩ : ફાઈનાન્સિયલ લેવડદેવડમાં પેન અને આધારને ટાંકવા માટેની સમય મર્યાદાને ૩૧મી માર્ચ સુધી લંબાવી દેવામાં આવી છે. આ મહેતલ ૩૧મી ડિસેમ્બરના દિવસે પૂર્ણ થઇ રહી હતી જેને લંબાવીને હવે ૩૧મી માર્ચ કરી દેવામાં આવી છે. બેંક એકાઉન્ટ સાથે આધાર નંબરને જોડવા માટેની મહેતલ ત્રણ મહિના સુધી લંબાવીને ૩૧મી માર્ચ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી શરૂ થઇ હતી. જુદી જુદી સ્કીમોને લિંક કરવાને ફરજિયાત કરવાને લઇને સુનાવણી હાથ ધરાઈ હતી. પેન અને બેંક એકાઉન્ટ સાથે આધારને જોડવા માટે સમય મર્યાદા આગાઉ ૩૧મી ડિસેમ્બર રાખવામાં આવી હતી. જો કે, સરકારે આ મહેતલને ૩૧મી માર્ચ સુધી લંબાવી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યુ દ્વારા આ સંદર્ભમાં જાહેરનામુ જારી કરી દેવામાં આવ્યું છે. જો કે, નાણામંત્રાલય દ્વારા મંગળવારના દિવસે જારી કરવામાં આવેલા જાહેરનામામાં આનો કોઇ ઉલ્લેખ કરાયો ન હતો. આજે નવી મહેતલ જારી કરવામાં આવી હતી. સરકારે મોડેથી નિવેદન જારી કરીને આ મહેતલને ૩૧મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ૧૨મી ડિસેમ્બરના જાહેરનામા મુજબ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી પેન અને આધાર અંગે માહિતી આપવા સાથે સંબંધિત જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદ દુવિધાભરી સ્થિતિ હતી. યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, હવે મહેતલ લંબાવવામાં આવ્યા બાદ લોકોને રાહત મળી શકે છે. આ સંદર્ભમાં જુદા જુદા વર્ગો તરફથી રજૂઆત થઇ હતી. બેંકો પાસેથી પણ માહિતી મળી રહી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને હવે મહેતલને ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી કરી દેવામાં આવી છે. ક્લાઈન્ટો તરફથી એકાઉન્ટ સંબંધિત સંબંધો શરૂ કરવાની તારીખથી આ તારીખ ગણાશે.

(7:53 pm IST)