Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મહાકૌભાંડ... ૫૦ લાખ લોકોને ૭૦૦૦ કરોડનો ધુંબો

PCCના ૬ ડાયરેકટરો વિરૂધ્ધ કેસ

મુંબઇ તા. ૧૩ : મુંબઇની સૌથી મોટી છેતરપીંડીના કેસમાં ઇકોનોમિક ઓફેન્સેઝ વિંગે પાનકાર્ડ કલબ્સ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. આ કેસ કથિત રીતે ૫૦ લાખથી વધુ રોકાણકારોના અંદાજે ૭,૦૩૫ કરોડ રૂપિયા ચાંઉ કરવાનો છે. અગાઉ બજાર નિયામક સંસ્થા સિકયોરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ પીસીએલને પોતાની પ્રોપર્ટી નહી વેચવાનો આદેશ આપ્યો હતો. તેને પીસીએલની સંપત્તિઓ વેચીને રોકાણકારોના પૈસા પરત કરવાના હેતુથી વેચાણ પ્રક્રિયા અપનાવા માટે રીટાયર્ડ જજ આર.એમ.લોઢાને નિયુકત કર્યા હતા.

ઇકોનોમિક ઓફેન્સેઝ વિંગના ઓફિસરે કહ્યું કે, એજન્સીએ ઇન્ડિયન પીનલ કોડ હેઠળ છેતરપીંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પીસીએલ અને તેના છ ડાયરેકટરો વિરૂધ્ધ મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોજીટર્સ (એમપીઆઇડી)ની જોગવાઇઓ પણ લાગુ કરવામાં આવી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું પ્રભાદેવીમાં આવેલી તેની હેડ ઓફિસ હવે બંધ કરી દેવામાં આવી છે. દાદર નિવાસી નરેન્દ્ર વાતોકરે ૧૦ ડિસેમ્બરે પીસીએલ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. એક અધિકારીએ જણાવ્યું, પીસીએલ હોટેલમાં રહેવાની એક સ્કીમ લાવ્યું હતું. તે લોકોને મેમ્બરશીપ આપીને રોકાણ કરવાનું કહેતા હતા. તેના માટે તે હોટલોમાં હોલિડે પેકેજ ઓફર કરી રહ્યો હતો.

જે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન્સના વાયદા કર્યા હતા. તેને હોલિડે પેકેજ મળ્યા નથી. એવામાં એક ઇન્વેસ્ટરે સેબીને ફરીયાદ કરી દીધી અને તપાસની શરૂઆત કરવામાં આવી. તપાસમાં માલુમ પડયું કે, કંપની સામુહિક રોકાણ યોજના ચલાવી રહી હતી. તેના માટે સેબી પાસેથી અપ્રુવલ લેવું જરૂરી હતું પરંતુ ડાયરેકર્ટ્સએ મંજુરી લીધી નહોતી. તપાસમાં ખુલાસો થયો કે અંદાજે ૧ ટકા રોકાણકારોને જ વાયદા અનુસાર હોટલમાં રહેવાની સુવિધા આપવામાં આવી હતી.

સેબીએ પહેલા કંપની પર પ્રતિબંધ લગાવ્યો અને તેને બિઝનેસ બંધ કરવાનું કહ્યું. સેબીએ કંપનીએ કહ્યું કે, તે હવે કોઇ પાસેથી પૈસા લઇ શકે નહીં અને ત્રણ મહિનાની અંદર રોકાણકારોને કોઇપણ ભોગે રૂપિયા પરત કરવા પડશે. સેબીએ તેને પોતાની એક પણ પ્રોપર્ટી વેચવા પર પણ પ્રતિબંધ લગાવ્યો. પીસીએલે સેબીના આ આદેશને સિકયોરીટીઝ અપેલટ ટ્રાઇબ્યૂનલમાં પડકારી પરંતુ એસએટીએ પણ સેબીના આદેશને લીલીઝંડી આપી.

(3:39 pm IST)