Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

નરેન્દ્રભાઈ-રાહુલ ગાંધી વિ. માટે સ્પેશ્યલ 'નેમકોડ' પોલીસે રાખેલઃ વાયરલેસ લોકેશન એ જ નામે મંગાતા

ચૂંટણી દરમિયાન આતંકી હુમલાની ભીતિ ધ્યાને લઈ આબી સાથે સંકલન કરી વિશિષ્ઠ આયોજન

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસના સર્વેસર્વાઓ માટે પ્રતિષ્ઠાના જંગ સમી હોવાથી આ ચૂંટણીઓ લોહીયાળ ન બને અને ખાસ કરીને કોઈ મહાનુભાવોની સુરક્ષામાં કચાસ ન રહે અને તેમના પર લોકો કે કોઈ ઉગ્રવાદીઓ દ્વારા 'એટેક'ના પ્રયાસ ન થાય તે માટે ગુજરાત પોલીસના ઉચ્ચ અફસરો સતત આવા લોકેશન મેળવી શકે અને કોમ્યુનીકેશન 'જામ' પ્રસંગે પોલીસ વાયરલેસ દ્વારા કોના લોકેશન માંગવામાં આવે છે? તેની અન્યોને જાણ ન થાય તે માટે નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી માટે 'વાયરલેસ સેટ' પર તેમના લોકેશન માટે ખાસ કોડવર્ડ અપાયા હતા.

ઘણી વખત નિયત સમયે કાફલો ન પહોંચે અને ટ્રાફીકજામને કારણે કોઈ અસામાજીક કે આતંકવાદીઓને તક ન સાંપડે તે માટે વાયરલેસ પર તેમના 'કોડવર્ડ' નામથી પૂછપરછ કરી સંબંધકર્તાને જાણ કરાતી, ગુજરાત આઈબી દ્વારા પણ આ માટે વિશેષ કોડવર્ડનો ઉપયોગ થયો હતો.

ગુજરાતની ચૂંટણીમાં વ્યસ્ત સ્ટાફનો લાભ ઉઠાવી કોઈ અસામાજીક તત્વો કે જેના છેડા ઉગ્રવાદીઓ સાથે સંકળાયેલાની ભીતિ છે તે ધ્યાને લઈ આવી કાળજી લેવામાં આવી હોવાનું પોલીસ સુત્રો માની રહ્યા છે.

સંભવિત હુમલા સામે આઈબી દ્વારા પણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ એલર્ટ આપવામાં આવ્યા હતા. અમદાવાદમાં મોદી અને રાહુલ ગાંધીના રોડ શો રદ કરાયા તે માટે પણ આવા કારણો આપવામાં આવેલ. જો કે, અમદાવાદનાં પોલીસ કમિશ્નર એ.કે. સિંઘે કે જેણે મોદી અને રાહુલ ગાંધીના રોડ શોને મંજુરી ન આપવાનો હિંમતભર્યો નિર્ણય કરેલ. તેઓએ આ રોડ શો આતંકવાદીઓની ભીતિને કારણે નહિ ટ્રાફીક વ્યસ્તતાને કારમે લોકો પરેશાન ન થાય તે દ્રષ્ટિએ નિર્ણય કર્યાનું સ્પષ્ટ જણાવેલ.

ગુજરાતમાં આવી તમામ ભીતિ ધ્યાને લઈ અર્ધ લશ્કરી દળની ૬૦૦ કંપની આવેલ. જેનુ સંકલન ગુજરાત બીએસએફના વડા અજય તોમરે સંભાળેલ. સરહદ અને ઓનર રાષ્ટ્રીય સરહદ - દરિયાઈ સરહદ પર બંદોબસ્ત મુકાયેલ.

નિયમાનુસાર ગુજરાત બહારના નેતાઓએ ગુજરાત છોડવાનું હોવાથી હાલ તૂર્ત દિલ્હી જતા પોલીસ તંત્રએ એક બે દિ' માટે રાહતનો શ્વાસ લીધો છે. જો કે રાહતનો શ્વાસ તા. ૧૮મીના પરિણામ પછી પણ શાંતિથી નવી સરકાર રચાઈ જાય ને પછી જ પોલીસ   સંપૂર્ણ રીતે શાંતિ  લઈ શકશે.

(3:29 pm IST)