Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વીઆરએસ લેનાર રેલ કર્મચારીઓનાં સંતાનોને નોકરીની યોજના પર 'રોક'

નવી દિલ્હી તા. ૧૩ : ભારતીય રેલવેએ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ (વીઆરએસ) લેનાર કર્મચારીઓનાં બાળકોને આપવામાં આવતી રેલવેની નોકરીની સ્કીમ પર હાલ રોક લગાવી દીધી છે. ભારતીય રેલવેએ ૨૦૦૪માં આ સ્કીમ શરૂ કરી હતી કે જેમાં વીઆરએસ લેનાર કર્મચારીઓનાં બાળકોને રેલવેમાં નોકરી આપવામાં આવતી હતી. સાથે આ સ્કીમ બંધારણીય રીતે યોગ્ય છે કે કેમ તે માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લિબરલાઈઝડ એકિટવ રિટાયર્ટ સ્કીમ ફોર ગેરંટીડ એમ્પ્લોયમેન્ટ ફોર સેફટી સ્ટાફ (લાર્જેસી)ની શરૂઆત ૨૦૦૪માં કરવામાં આવી હતી, જયારે નીતિશકુમાર રેલવે પ્રધાન હતા. રેલ મંત્રાલયના એક આદેશનો અમલ કરીને આ સ્કીમને ગયા મહિનાથી રોકી દેવામાં આવી છે. તમામ પ્રાદેશિક રેલવેને એવો આદેશ જારી કરાયો છે કે બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ સ્કીમનો અમલ રોકી દેવામાં આવે. આ સ્કીમને લઈને એક કેસની સુનાવણી કરતાં પંજાબ અને હરિયાણા કોર્ટે જુલાઈમાં જણાવ્યું હતું કે તેનાથી બંધારણની સરકારી નોકરીઓમાં તમામ માટે સમાન તકના સિદ્ઘાંતનો ભંગ થાય છે.

અદાલતે જણાવ્યું હતું કે આ પ્રકારની પોલિસીને કારણે બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૬નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રેલવે યુનિયનનું કહેવું છે કે જે સ્થળોએ કોર્ટે આ સ્કીમને લઈને વિપરિત ચુકાદો સંભળાવ્યો ન હોય ત્યાં આ સ્કીમ ચાલુ રાખવી જોઈએ.

(3:19 pm IST)