Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

હોટલ અને રેસ્ટોરન્ટસને બોટલ્ડ મિનરલ વોટર કે અન્ય પ્રિ-પેકેજડ પ્રોડકટ MRP પર વેચવા ફરજ પાડી ન શકાય

સુપ્રિમ કોર્ટે આપેલો નિર્દેશ

નવી દિલ્હી તા.૧૩ : હોટેલ્સ અને રેસ્ટોરન્ટસને બોટલ્ડ મિનરલ વોટર કે અન્ય પ્રિ-પેકેજડ પ્રોડકટસ એમઆરપી પર વેચવા માટે ફરજ નહી પાડી શકાય. સુપ્રિમ કોર્ટના જણાવ્યા અનુસાર આ પ્રોડકટસ માટે આપવામાં આવતી સર્વિસનું લીગલ મેટ્રોલોજી એકટ હેઠળ નિયમન કરી શકાતુ નથી.

સુપ્રિમ કોર્ટે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીયેન્સ ઓફ ઇન્ડિયા (FHRAI)ની પીટીશનના જવાબમાં આ ચુકાદો આપ્યો હતો. અહેવાલ પ્રમાણે સરકારે FHRAI સામેની એફીડેવીટમાં જણાવ્યુ હતુ કે, હોટેલ્સ અને રેસ્ટોરન્ટસ પ્રિ-પેકેજડ અથવા પ્રિ-પેકડ પ્રોડકટસ એમઆરપી કરતા ઉંચા ભાવે વેચશે તો લીગલ મેટ્રોલોજી એકટ હેઠળ ગુનો ગણાશે. એમઆરપીથી ઉંચા ભાવે બોટલ્ડ મિનરલ વોટરના વેચાણ પર મોટો દંડ તેમજ હોટેલ્સ, રેસ્ટોરન્ટસના મેનેજમેન્ટ સ્ટાફને જેલની સજા થઇ શકે.

સુનાવણીમાં હાજર એક વકીલે જણાવ્યુ હતુ કે, કોર્ટના ચુકાદા અનુસાર હોટેલ અને રેસ્ટોરન્ટમાં અન્ય ઘણી સર્વિસ આપવામાં આવે છે અને એમઆરપી કરતા વધુ ભાવ લેવાના મુદે લીગલ મેટ્રોલોજી એકટ હેઠળ કાર્યવાહી થઇ શકે નહી. મંગળવારનો ચુકાદો FHRAI દ્વારા ભારત સરકાર સામે ફાઇલ કરાયેલી સ્પેશિયલ લીવ પીટીશનને આધારે આપવામાં આવ્યો હતો. FHRAIએ દલીલ કરી છે કે, નવા અને જુના કાયદામાં વેચાણની વ્યાખ્યા સમાન છે.

(11:58 am IST)