Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

મંદિર પર મહાભારત

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા માટે શિરડીથી સિધ્ધી વિનાયક સુધી ભાજપે કર્યા દેખાવો

ભાજપના કાર્યકરોની અટકાયત થઇ

મુંબઇ, તા.૧૩: મુંબઈમાં ભાજપના કાર્યકરોએ રાજય સરકાર વિરુદ્ઘ પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શન સિદ્ઘિવિનાયક મંદિરની બહાર થયું. ડઝનબંધ ભાજપના કાર્યકરો મંદિરની બહાર દોડી આવ્યા હતા અને બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર ભકતો માટે મંદિર ખોલતી નથી, જયારે તમામ સેવાઓ અને અન્ય મથકો ખોલવામાં આવ્યા છે. વિરોધ વધતા ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડ માહીતીની અટકાયત કરવામાં આવી હતી.

મંગળવારે સિદ્ઘિવિનાયક મંદિરની બહાર ભાજપના સેંકડો કાર્યકરો દોડી આવ્યા હતા. તેમના હાથમાં પોસ્ટરો અને બેનરો હતાં. કાર્યકર્તાઓએ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે માંગ કરી કે રાજયના મંદિરો ભકતોની પૂજા અર્ચના માટે ખોલવામાં આવે.

સેંકડો કાર્યકરોને જોઇને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાર્યકરોને બેરીકેડિંગ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જયારે તેઓએ બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર બળનો ઉપયોગ કરીને તેમને અટકાવવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડ માહીતી અને અન્ય કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ભાજપના કાર્યકરોએ કહ્યું કે જયારે રાજયમાં બધું ફરી ખોલ્યું છે ત્યારે માત્ર મંદિરો કેમ બંધ કરવામાં આવે છે. તેઓએ 'મદિરા ચાલુ મંદિર બંધ' ના નારા લગાવ્યા. કાર્યકરોએ જણાવ્યું હતું કે જો ભકતો માટે મંદિરો ફરીથી ખોલવામાં ન આવે તો તેઓ મોટું આંદોલન કરશે.

(3:48 pm IST)