Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

સલિમા મઝારી નામની બહાદુર મહિલાથી તાલિબાની આતંકીઓ પણ ડરે છે

કાબુલ, તા. ૧૩: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર જારી છે. અહીં આતંકવાદી ભીષણ નરસંહાર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાનના આતંકવાદી અફઘાનિસ્તાનના જે વિસ્તાર પર કબ્જો કરવામાં સફળ થઈ ગયા છે. ત્યાંના લોકો પર ભયાનક અત્યાચાર કરી રહ્યા છે. વિસ્તારમાં રહેનારને તેમની ૧૨ વર્ષથી મોટી ઉંમરની યુવતીઓને આતંકીઓને સોંપવાનુ કહી રહ્યા છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના ચારકિંટ જિલ્લાની ગર્વનર સલિમા મઝારીએ તાલિબાની આતંકીઓ વિરૂદ્ધ મોરચો સંર્ભાળ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, ૪૦ વર્ષીય મહિલા ગવર્નર સલિમા મઝારી ચાર કિંટ જિલ્લાના વહીવટી કામોને સંભાળવાની સાથે-સાથે અફઘાનિસ્તાનની સેના સાથે તાલિબાની આતંકીઓનો બહાદુરીથી સામનો પણ કરે છે. સલીમાએ આતંકવાદીઓ વિરૂદ્ધ બંદૂક ઉઠાવી લીધી છે.

સલિમા મઝારીએ જણાવ્યુ કે ક્યારેક તે ચારકિંટ જિલ્લાની ઓફિસમાં હોય છે તો ક્યારેક તે હાથમાં બંદૂક લઈને તાલિબાનના આતંકવાદીઓનો સામનો કરી રહી હોય છે.

તેમણે આગળ કહ્યુ કે જો આપણે લડીશુ નહીં તો આપણે ચરમપંથીઓ અને કટ્ટરપંથીઓ વિરૂદ્ધની લડતમાં હારી જઈશુ. આપણે તેને સફળ થવા દઈ શકતા નથી.

સલિમા મઝારીનો જન્મ ૧૯૮૦માં ઈરાનમાં થયો હતો. સોવિયત યુદ્ધ દરમિયાન તેમનો પરિવાર અફઘાનિસ્તાનથી ઈરાન ચાલ્યો ગયો હતો. સલિમા મઝારીએ તહેરાન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. વર્ષ ૨૦૧૮માં સલિમા મઝારીને જાણ થઈ કે અફઘાનિસ્તાનના ચારકિંટ જિલ્લા એટલે કે તેમના ગૃહ જિલ્લામાં ગર્વનરનુ પદ ખાલી છે અને તેમના માટે અરજી મંગાવવામાં આવી છે. સલિમા ગર્વનર પદના ઉમેદવાર બન્યા અને બાદમાં તેમની યોગ્યતાના આધારે ગવર્નર પસંદ કરી લેવામાં આવ્યા. સલિમાએ કહ્યુ કે પહેલા તો તેમને એવુ લાગ્યુ કે મહિલા ગવર્નર હોવાના કારણે કદાચ લોકો તેમનો સ્વીકાર કરશે નહીં પરંતુ ચારકિંટ જિલ્લાના લોકોએ સારો પ્રતિભાવ આપ્યો અને મને ઘણો સપોર્ટ કર્યો.

(3:41 pm IST)