Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

આ વર્ષે પ્રાઈવેટના હાથમાં જશે ૫ સરકારી કંપનીઓ

એર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ, BEML, શિપિંગ કોર્પોરેશન અને કન્ટેનર કોર્પોરેશનનું ખાનગીકરણ આ વર્ષે કરવામાં આવશે

નવી દિલ્હી,તા.૧૩:નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે ઉદ્યોગ જગતને આશ્વસ્ત કરતા જણાવ્યું કે સરકાર આર્થિક વૃદ્ઘિને ગતિ આપવા માટે જરૂરી તમામ પગલા ભરવા માટે તૈયાર છે. તેમણે Confederation of Indian Industryના વાર્ષિક બેઠકને સંબોધતા કહ્યું કે કોરોનાની મહામારીને રોકવા માટે લગાવાયેલા પ્રતિબંધો હટાવ્યા પછી અર્થવ્યવસ્થામાં તેજીના સંકેત છે.

તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી Foreign direct investmentમાં ૩૭ ટકાની વૃદ્ઘિ થઈ છે. જયારે વિદેશી મુદ્રા ભંડાર જુલાઈમાં વધીને ૬૨૦ અબજ ડોલર પર પહોંચી ગયો છે. નાણા મંત્રીએ કહ્યું કે નરેન્દ્રભાઇ મોદી સરકાર સુધારાને લઈને પ્રતિબદ્ઘ છે. કોરોનાની મહામારી દરમિયાન પણ સુધારાને આગળ વધારાયા છે. ગત વર્ષે કેન્દ્રએ કૃષિ કાયદા અને શ્રમ સુધારાને આગળ વધાર્યા.

એર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ , શિપિંગ કોર્પોરેશન અને કન્ટેનર કોર્પોરેશનનું ખાનગીકરણ આ વર્ષે કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં ઈકોનોમીને બચાવવા માટે સરકાર આરબીઆઈની સાથે મળીને કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે આરબીઆઈ આ વાતને સારી રીતે સમજે છે કે ઈકોનોમીમાંથી તરત લિકિવડિટી નીકાળવી જરૂરી નથી. મોંઘવારી રોકવા માટે સંભવ તમામ પ્રયાસ કરવામાં આવશે અને સરકારની પ્રાથમિકતા વિકાસ છે.

(10:14 am IST)