Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જમ્મુ જવાને બદલે વડાપ્રધાન શ્રીનગર પણ જાય : સ્વામી

બડગામમાં પંડિતની આતંકીઓએ હત્યા કરી હતી : આવી ઘટનાઓને હળવાશથી ન લેવા ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ

નવી દિલ્હી, તા.૧૩ : જમ્મુ-કાશ્મીરના બડગામમાં માત્ર ૩૫ વર્ષના કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાહુલ ભટની હત્યા કરવા માટે આવેલા આતંકીઓએ પહેલા તેમનું નામ પૂછીને તેમના ધર્મ અંગે સ્પષ્ટતા કરી હતી. આ ઘટના અંગે તેમના પિતાએ આરોપ લગાવ્યો કે તેમના દીકરાનું નામ પૂછીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે રાહુલના મિત્રો અને અન્ય સમુદાયના બાકી લોકો આ ઘટનાથી ભારે આઘાતમાં સરી પડ્યા છે. હવે આ મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નરેન્દ્ર મોદી સરકાર સામે મોટા સવાલ ઉભા કર્યા છે. તેમણે વડાપ્રધાન સામે સવાલ ઉભો કરીને એક ટ્વિટ કરી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે આવી ઘટનાઓને હળવાશમાં ના લેવી જોઈએ. તેમણે પૂછ્યું કે શા માટે વડાપ્રધાન મોદી માત્ર જમ્મુમાં જ જાય છે તેમણે તાત્કાલિક શ્રીનગર પણ જવું જોઈએ. રાહુલ બટના અંતિમ સંસ્કાર આજે જમ્મુના બનતાલાબમાં કરવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે તેમની હત્યા મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવીને આતંકીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરવામાં આવી રહી છે.

સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું, ઈસ્લામી આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટની હત્યાને હળવાશમાં ના લઈ શકાય, જેમ મોદી સરકાર હાલ કરી રહી છે. હિન્દુત્વની વાત કરવાનો શું ફાયદો જ્યારે સરકાર ડરપોક છે અને તેનો જવાબ આપી રહી નથી. શા માટે વડાપ્રધાન મોદી માત્ર જમ્મુ જ જાય છે?, તેમણે તાત્કાલિક શ્રીનગર જવું જોઈએ.

બડગામમાં રેવન્યુ વિભાગમાં કામ કરતા રાહુલ ભટ ક્લાર્ક તરીકે પોતાની નોકરી કરતા હતા. ગુરુવારે આતંકીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાશ્મીરી પંડિત રાહુલને છાતીમાં ત્રણ ગોળી વાગી હતી.

રાહુલના પિતાએ કહ્યું, આતંકીઓ ઓફિસમાં આવીને તેમનું નામ પૂછીને ગોળી મારી કે રાહુલ ભટ કોણ છે? ત્યાં ચાર લોકો આવ્યા હતા. તેમણે પૂછ્યું કે રાહુલ ભટ કોણ છે અને તેમણે જવાબ આપ્યો કે હું રાહુલ ભટ, આવી જાવ શું કામ છે? આ પછી આતંકીઓએ તેમને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. વહીવટી તંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા બિટ્ટાજીએ કહ્યું, શ્રીનગરથી કોઈએ જહેમત કરી નહીં, ડીસી કે પછી કમસે કમ એસએસપી કંઈક બોલ્યા હોત તો સારું લાગતું.

હત્યા પછી આજે જમ્મુમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને લોકોમાં આતંકી કૃત્ય સામે ગુસ્સો પણ છલકાઈ રહ્યો હતો.

પોલીસનું કહેવું છે કે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રજિસ્ટેન્ટ ફ્રન્ટ (ટીઆરએફ) કાશ્મીર વેલીમાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપી રહી છે. જેમાં ખાસ કરીને પ્રવાસી મજૂર, લઘુમતી સમાજના સભ્યો અને ઓફ ડ્યુટી પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

(7:25 pm IST)