Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

સુપ્રીમ કોર્ટનો NEET-PG ૨૦૨૨ની પરીક્ષા ટાળવાનો ઇનકાર

૨૧મીના રોજ જ લેવાશે પરીક્ષા : સુપ્રીમ કોર્ટે નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષા સ્‍થગિત કરવાની ડોક્‍ટરોની અરજીને ફગાવી દીધી છે

નવી દિલ્‍હી, તા.૧૩: સુપ્રીમ કોર્ટે NEET PG 2022 પરીક્ષાને મુલતવી રાખવાનો ઇનકાર કર્યો છે, નીટ પીજી ની પરીક્ષા તેના નિર્ધારિત સમય એટલે કે ૨૧મે ૨૦૨૨ના રોજ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષા સ્‍થગિત કરવાની ડોક્‍ટરોની અરજીને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરીક્ષા સ્‍થગિત કરવાથી અરાજકતા અને અનિશ્‍ચિતતા સર્જાશે. એટલું જ નહીં, તે દર્દીની સંભાળને પણ અસર કરશે અને નીટ પીજી માટે તૈયારી કરી રહેલા ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પૂર્વાગ્રહ પણ પેદા કરશે. તેનાથી હોસ્‍પિટલોમાં ડોક્‍ટરોની અછત પણ સર્જાશે. આ સરકારની નીતિની વાત છે.

નોંધનીય છે કે, મેડિકલ વિદ્યાર્થીઓએ નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય ન મળવાને કારણે સુપ્રીમ કોર્ટને નીટ પીજી પરીક્ષા સ્‍થગિત કરવાની માંગ કરી હતી. અરજદારો વતી કહેવામાં આવ્‍યું હતું કે ડોક્‍ટરોને તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્‍યો નથી. જયારે, નીટ પીજી ૨૦૨૧નું કાઉન્‍સેલિંગ હજી ચાલુ છે.

નીટ પીજી ૨૦૨૧ને કાઉન્‍સેલિંગ અને નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષા વચ્‍ચે પણ ટકરાવ થઇ રહ્યો છે. આવી સ્‍થિતિમાં, નીટ પીજી ૨૦૨૨માં ભાગ લેવા ઇચ્‍છુક ડોકટરોને પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણો ઓછો સમય મળી રહ્યો છે. આ તપાસ માટે ડોક્‍ટરોને ઓછામાં ઓછો ચાર અઠવાડિયાનો સમય આપવો જોઈએ. અરજદારોએ અરજીમાં કોર્ટને નીટ પીજી કાઉન્‍સિલિંગમાં ભાગ લઈ રહેલા ઉમેદવારોને નીટ પીજી ૨૦૨૨ પરીક્ષા માટે નોંધણી કરવાની મંજૂરી આપવા માટે કેન્‍દ્રને નિર્દેશ આપવાની માંગ કરી હતી.

(3:54 pm IST)