Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

વધુને વધુ પ્રાઇવેટ હોસ્‍પિટલોને જોડવા સરકારની યોજના

આયુષ્‍યમાન ભારત સ્‍કીમ : આ યોજનાને જથ્‍થાબંધ ભાવાંક સાથે જોડવા તૈયારીઃ સરકાર મેડિકલ ટ્રીટમેન્‍ટની ફી અને ચાર્જ ચોક્કસ રેન્‍જમાં નક્કી કરશેઃ કાર્ડધારકને સુપર સ્‍પેશ્‍યાલીટી સારવાર પ્રાપ્‍ત થાય તે સરકારનો ઇરાદો

નવી દિલ્‍હી, તા.૧૩: મોદી સરકારની મહત્‍વાકાંક્ષી આયુષમાન ભારત યોજનામાં ખાનગી હોસ્‍પિટલોને જોડવાના ભાગરૂપે આરોગ્‍ય મંત્રાલય સારવારના દરોને હોલસેલ પ્રાઇસ ઇન્‍ડેક્ષ (ડબલ્‍યુ પીઆઇ) સાથે લીંક કરવા માટેનું આયોજન કરી રહ્યું છે. ગુરૂવારે હેલ્‍થ કેર ઇન્‍ડસ્‍ટ્રીના મોટા માથાઓ સાથે કેન્‍દ્રિય આરોગ્‍ય પ્રધાન મનસુખભાઇ માંડવીયાની મીટીંગમાં આ અંગે ચર્ચા થઇ હતી.

વિશ્‍વની સૌથી મોટી આરોગ્‍ય વીમા યોજના તરીકે ઓળખાતી આયુષમાન ભારત યોજનાનું આખું નામ આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના (એબી-પીએમજેએવાય) છે.

ઉપરોકત મીટીંગમાં ડો.વી.કે.પોલ (આરોગ્‍ય સભ્‍ય નીતિ આયોગ) આર એસ શર્મા (નેશનલ હેલ્‍થ ઓથોરીટીના સીઇએ), રાજેશ ભૂષણ (સચીવ, આરોગ્‍ય મંત્રાલય) સહિતના સરકારના ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ડાયરેકટર જનરલ ઓફ એસોસીએશન ઓફ હેલ્‍થ કેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્‍ડિયા (એએચપીઆઇ) ગીરધર જે જ્ઞાનીએ કહ્યું કે આરોગ્‍ય પ્રધાને ખાનગી હોસ્‍પિટલો દ્વારાદ આયુષમાન ભારતના ધીમા સ્‍વીકાર માટે ભાવ મુદે નવો વિચાર રજૂ કર્યો હતો. આ મીટીંગ ફળદાયી રહી હતી. આરોગ્‍ય પ્રધાને આરોગ્‍ય માટે એક સરખા ભાવ આખા દેશમાં રહે તે બાબતે મક્કમતા દર્શાવી છે. એએચપીઆઇ સાથે દેશભરી ૨૫૦૦ સુપર સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલો અને ૮૦૦૦ નાની હોસ્‍પિટલો જોડાયેલી છે.

જ્ઞાનીએ કહ્યું કે આરોગ્‍ય પ્રધાનનું સૂચન હતું કે સારવારના ભાવોને ડબલ્‍યુ પીઆઇ સાથે લીંક કરવામાં આવે અને ફાર્મા ઇન્‍ડસ્‍ટ્રીની જેમ જ સારવારના ભાવો ડબલ્‍યુ પી આઇ વધે ત્‍યારે વધારી શકાય. દેશમાં જરૂરી દવાઓના ભાવ ડબલ્‍યુ પીઆઇ વધે તેના અનુસાર વધે છે. આવી જ રીતે સારવારના પેકેજના ભાવો ડબલ્‍યુ પીઆઇમાં વધારા સાથે વાર્ષિક ધોરણે વધારી શકાય.

આ મીટીંગમાં હેલ્‍થ ઇન્‍ડસ્‍ટ્રીના નરેશ ત્રેહાન (મેદાંતા), ફોર્ટીસના ડો.આશુતોષ રઘુવંશી, મહાજન ઇમેજીંગના ડો.હર્ષ મહાજન, ડોકટર લાલ પેથ લેબ્‍સના ડો.અરવીંદલાલ સહિતના મોટા માથાઓ હાજર હતા. આરોગ્‍ય પ્રધાને હેલ્‍થ ઇન્‍ડસ્‍ટ્રીને જરૂરીયાતવાળા દર્દીઓને સુપર સ્‍પેશ્‍યાલીટી સારવારની સુવિધાઓ મળી રહે તે માટે આયુષમાન ભારત યોજના સાથે જોડાવા કહ્યુ હતું

ટોચની હોસ્‍પિટલોના એક સીનીયર પ્રતિનિધીએ કહ્યું કે સરકારનો ઉદેશ બહુ સ્‍પષ્‍ટ છે. તે આયુષમાન યોજના સાથે વધુને વધુ હોસ્‍પિટલોને જોડવા માંગે છે. જેથી વધુને વધુ લાભાર્થીઓને અપાતી સારવારનો વ્‍યાપ વધારી શકાય. આનાથી ક્રીટીકલ સારવાર લેવા ઇચ્‍છા દર્દીઓને વધારે વિકલ્‍પો મળી શકે.

મીટીંગમાં એ પણ ચર્ચા થઇ હતી કે હેલ્‍થ ઇન્‍ડસ્‍ટ્રીના અત્‍યારે ૬૦૦ કરોડ રૂપિયાનું પેમેન્‍ટ સીજીએચ દ્વારા કરવાનુ બાકી છે તેના અંગે ખાતરી અપાઇ કે આ પેમેન્‍ટ કલેઇમ રજૂ કર્યાના ૪૫ દિવસમાં ચૂકવી આપવામાં આવશે.

સરકારની ઇએસઆઇસી, સીજીએસએસ, ઇસીએચએસ વગેરે યોજનાઓને મર્જ કરીને એક પ્‍લેટફોર્મ પર લાવવા માટેની યોજના અંગે પણ આ મીટીંગમાં ચર્ચા થઇ હતી. સરકારના ઉચ્‍ચ અધિકારીઓએ ઇન્‍ડસ્‍ટ્રીને પોતાની બીઝનેસ સ્‍ટ્રેટેજીમાં ઓછી કિંમતે વધારે ધંધાના આ નવા દ્રષ્‍ટિકોણ પર ધ્‍યાન આપવા બાબતે વિચારવા કહ્યું.

(11:57 am IST)