Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

યમનમાં હૂથી બળવાખોરોએ સાત ભારતીયો સહિતનું કાર્ગો જહાજ બાનમાં લીધું: ખળભળાટ

છેલ્લાં ૧૦-૧૨ દિવસથી ભારતીયો સહિત કુલ ૧૧ લોકોને બળવાખોરોએ જહાજમાં જ નજરકેદ કર્યા

નવી દિલ્હી : યમનમાં હૂથી બળવાખોરોએ સાત ભારતીયો સહિતનું કાર્ગો જહાજ બાનમાં લીધું છે. છેલ્લાં ૧૦-૧૨ દિવસથી ભારતીયો સહિત કુલ ૧૧ લોકોને બળવાખોરોએ જહાજમાં જ નજરકેદ કર્યા છે. રવાબી નામનું જહાજ સાઉદી અરેબિયન કંપનીની માલિકીનું છે. ભારતીયોને છોડાવવા માટે વિદેશ મંત્રાલયે પ્રયાસો શરૃ કર્યા છે.યમનના હોદેહદાહ બંદરે સાઉદી અરેબિયાની માલિકીનું એક કાર્ગો જહાજ હૂથી બળવાખોરોએ બાનમાં લીધું છે.

એ જહાજમાં સાત ભારતીયો સહિત ૧૧ ક્રુ મેમ્બર્સ સવાર હતા. યુએન સ્થિત ભારતીય એમ્બેસડરે યુએનની સુરક્ષા પરિષદ સમક્ષ ભારતીય નાગરિકોને છોડાવવાની રજૂઆત કરી હતી. એ વખતે તેમણે માહિતી આપી હતી કે ગત સપ્તાહમાં બીજી જાન્યુઆરીએ યમનના હોદ્દેહદાહ બંદરે એક જહાજને રોકી રાખવામાં આવ્યું હતું. એ હજુ પણ મુક્ત કરાયું નથી. એમાં સાત ભારતીય નાગરિકો પણ સવાર હતા.
ભારતના વિદેશ મંત્રાલયે જહાજનું સંચાલન કરતી કંપનીનો સંપર્ક કરીને વધુ વિગતો મેળવી હતી. યમનના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તમામ ક્રુ મેમ્બર્સ સલામત છે. ભારતે ટૂંક સમયમાં તમામ ભારતીયોને મુક્ત કરાવી દેવાશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે યમનમાં શરૃ થયેલા લશ્કરી ઓપરેશન ચિંતાજનક છે. યમનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો થાય તે જરૃરી છે.
સાઉદી અરેબિયાના યુએન સ્થિત પ્રતિનિધિએ કહ્યું હતું કે સાઉદી અરેબિયાની કંપનીના કાર્ગો જહાજમાં સાત ભારતીયો ઉપરાંત ઈથોપિયન, ઈન્ડોનેશિયન, મ્યાંમાર અને ફિલિપાઈન્સના નાગરિકો સહિત કુલ ૧૧ લોકો છે. તેમને છોડાવવા સાઉદીની સરકાર વાટાઘાટો કરે છે.
યમનમાં હૂથી બળવાખોરો સામે જે લશ્કરી કાર્યવાહી થઈ રહી છે એ ગઠબંધનની સેનામાં સાઉદીનું સૈન્ય પણ સામેલ છે. યુએઈ અને સાઉદીના નેતૃત્વમાં લશ્કરી કાર્યવાહી થઈ રહી હોવાથી હૂથી બળવાખોરોએ વિરોધ નોંધાવવા માટે સાઉદી અરેબિયન કંપનીની માલિકીનું કાર્ગો જહાજ બાનમાં લઈ લીધું છે.

(12:44 am IST)