Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમેરિકાના ન્યૂ ઓરલિયન્સ નજીકના દરિયામાં ૧૧ લાખ લીટર ડીઝલ લીક થયું :હજારો સજીવો તરફડીને મરી ગયા

પાણીમાં વેરાયેલો ડીઝલનો જથ્થો ભરી લેવામાં આવ્યો છે અને પાણીને ક્લિન કરી દેવાયું: કંપનીનો દાવો

અમેરિકાના લ્યુસિયાના રાજ્યમાં આવેલા ન્યૂ ઓરલિયન્સ શહેર નજીકના દરિયામાં ૧૧ લાખ લીટર ડીઝલ લીક થઈ ગયું હતું. એમાં હજારો સજીવો તરફડીને મરી ગયા હતા. પાઈપલાઈનની માલિકી ધરાવતી કંપનીએ દાવો કર્યો હતો કે પાણીમાં વેરાયેલો ડીઝલનો જથ્થો ભરી લેવામાં આવ્યો છે અને પાણીને ક્લિન કરી દેવાયું છે.

અમેરિકાની કોલિન્સ પાઈપલાઈન કંપનીની પેટ્રોલિયમની પાઈપલાઈન લ્યુસિયાના રાજ્યના પોર્ટ સિટી ન્યૂ ઓરલિયન્સના દરિયા નજીકથી પસાર થાય છે.

એ પાઈપલાઈનમાં લીકેજ થતાં ૩,૦૦,૦૦૦ ગેલન ડીઝલ પાણીમાં ભળી ગયું હતું. અંદાજે ૧૧ લાખ લીટર ડીઝલ દરિયાઈ પાણીમાં વેરાઈ જતાં માછલી સહિતના હજારો સમુદ્રી સજીવોનાં મોત થયા હતા.
આ ખુલાસો સરકારી દસ્તાવેજોમાંથી થયો હતો. ૨૭મી ડિસેમ્બરે લીકેજનું રિપેરિંગ કરાયું હતું. પરંતુ રિપેરિંગમાં સમય લાગ્યો એ દરમિયાન અગાઉથી પાઈપલાઈનમાં રહેલું લાખો લીટર ડીઝલ દરિયામાં અને શહેર નજીકના તળાવોમાં પણ વેરાયું હતું. પાઈપલાઈન લીક થવાના કારણોની તપાસ શરૃ કરવામાં આવી છે. પાઈપલાઈન ૪૨ વર્ષ જૂની છે અને કંપનીના કહેવા પ્રમાણે છેલ્લે ઓક્ટોબર-૨૦૨૦માં તેની ચકાસણી થઈ ત્યારે એમાં કોઈ જ લીકેજ હોવાનું જણાયું ન હતું.
૧૬ ઈંચના બે પાઈપ લીક થયા હતા. લગભગ ૨૨ ફૂટની પાઈપલાઈન ખરાબ હોવાનું જણાયું હતું. મિસિસિપી નદી નજીકમાંથી પસાર થતી હોવાથી એમાં પણ ડીઝલ ભળ્યું હોવાની શક્યતા છે. નદીનો સંવેદનશીલ વિસ્તાર આના કારણે પ્રદૂષિત થયો છે.
લ્યુસિયાનાના પર્યાવરણ વિભાગના અહેવાલમાં જણાયું હતું એ પ્રમાણે ૨૩૦૦ માછલીઓ મૃત્યુ પામી હતી. ૩૯ સાપ, ૩૨ પક્ષીઓ અને ૧૨ કાચબાનાં મોત થયા હતા. અંદાજે ત્રણ હજાર કરતાં વધુ સજીવો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પીબીએફ એનર્જી નામની કંપની અમેરિકામાં છ રિફાઈનરીની માલિકી ધરાવે છે. કોલિન્સ પાઈપલાઈન કંપની પણ એ કંપનીની જ માલિકીની છે. આ કંપની સામે અગાઉથી જ રેગ્યુલેટરીનું પાલન ન કરવાના છ કેસ ચાલી રહ્યા છે. જોકે, આ પાઈપલાઈન લીકેજના કેસમાં હજુ સુધી કોઈ દંડ ફટકારાયો નથી. કંપની સામે કાર્યવાહી કરવાની માગણી અમેરિકાના પાઈપલાઈન સેફ્ટિ ટ્રસ્ટે કરી છે

(12:37 am IST)