Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

બ્રિટનની સંસદમાં ચીનની મહિલા જાસૂસ ક્રિસ્ટીન લી સક્રિય:ઘણાં સાંસદોના સંપર્કમાં

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને સાંસદ ઈયાન ડંકન સ્મિથે દાવો કર્યો કે બ્રિટિશ જાસૂસી એજન્સીએ તેનાથી બચવાની ચેતવણી આપી

બ્રિટનની સંસદમાં ચીનની મહિલા જાસૂસ ક્રિસ્ટીન લી સક્રિય હોવાનો દાવો કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને સાંસદ ઈયાન ડંકન સ્મિથે કર્યો હતો. સાંસદે દાવો કર્યો હતો કે બ્રિટિશ જાસૂસી એજન્સીએ તેનાથી બચવાની ચેતવણી આપી છે.

બ્રિટનની સંસદમાં ચીનની મહિલા જાસૂસ ક્રિસ્ટીન લી સક્રિય હોવાનું કહેવાય છે. બ્રિટિશ સાંસદ અને વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા સિનિયર સાંસદ ઈયાન ડંકન સ્મિથે સ્પીકર સમક્ષ રજૂઆત કરી હતી કે ચીનની મહિલા જાસૂસ ક્રિસ્ટીન લી બ્રિટનના ઘણાં સાંસદોના સંપર્કમાં છે

ક્રિસ્ટીન લી ચીની મૂળની વકીલ છે અને ઘણાં સાંસદોના સંપર્કમાં છે. અગાઉ તે ટોચના સાંસદોના સંપર્કમાં હોય એવી તસવીરો પણ રજૂ થઈ ચૂકી છે. એમાં પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમેરોનનો પણ સમાવેશ થાય છે.
ઈયાન ડંકન સ્મિથે દાવો કર્યો હતો કે સ્પીકર લિન્ડસે હોયલીને બ્રિટનની ગુપ્તચર એજન્સીએ ચીનની મહિલા જાસૂસ બાબતે ચેતવણી આપી છે. ચીન બ્રિટનની પાર્લામેન્ટમાં તેના હિતો સાચવવા માટે ક્રિસ્ટીન લીને સક્રિય કરે છે એવો દાવો ઈયાન ડંકન સ્મિથે કર્યો હતો.
ઈયાન ડંકન સ્મિથ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચીનના પ્રખર ટીકાકાર તરીકેની ઈમેજ ધરાવે છે. ઉઈઘુર મુસ્લિમોના મુદ્દે ઈયાને વારંવાર બ્રિટિશ સંસદમાં રજૂઆતો કરી છે. તેના કારણે ચીને ઈયાન ઉપર પ્રતિબંધ મૂકવાની તજવીજ પણ હાથ ધરી હતી. .

(12:34 am IST)