Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ર૪ જાન્‍યુઆરીથી શરૂ થતી નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ : નવી તારીખ ટુંકમાં જાહેર થશે

કોરોનાનું સંક્રમણ વધતા કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીહિતમાં લેવાયો નિર્ણય : પરીક્ષાનું ફોર્મેટ પણ બદલાય઼ુ : ૭૦ માર્કસ અને અઢી કલાકને બદલે ૪ર ર્માસ અને દોઢ કલાકનું પેપર : કુલ ત્રણ તબક્કામાં એક દિવસ દરમિયાન ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે : ૮૦ પરીક્ષા કેન્‍દ્રો

રાજકોટ,તા.૧૩ : કોરોનાની ત્રીજી લહેર સંદર્ભે દિવસે-દિવસે સંક્રમણમાં સતત વધારો થતો જાય છે ત્‍યારે ર૪ જાન્‍યુઆરી, ર૦રર થી શરૂ થતી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય પરીક્ષાની કોર કમિટીમાં કરવામાં આવ્‍યો છે. પરીક્ષાની નવી તારીખ ટુંક સમયમાં જાહેર થશે તેવું પણ યાદમાં જણાવાયું છે.

કોરોના (કોવિડ-૧૯)નુ સંક્રમણ વધતા વિદ્યાર્થીહિતમાં નિર્ણય લેનાર યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ અકિલાને જણાવ્‍યું હતું કે પરીક્ષાના ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્‍યો છે. સામાન્‍ય રીતે પ્રશ્‍નપત્ર -૭૦ માર્કસનું અને સમય અઢી કલાકનો રહેતો હોય છે. પરંતુ હાલના સંજોગોમાં પેપર ૪ર માર્કસનું અને સમય દોઢ કલાક કરી દેવામાં આવ્‍યો છે. વિદ્યાર્થીઓએ સામાન્‍ય સંજોગોમાં પાંચ પ્રશ્‍નોના જવાબો આપવાના થતા હોય છે જે હવે ત્રણ પ્રશ્‍નોના જવાબો મોટાભાગના પેપરમાં આપવાના થશે.

ઉપરાંત છ વખતે યુનિવર્સિટી દ્વારા મોટેભાગે બે તબક્કામાં ૧પ-૧પ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોય છે જે આ વખતે ૧૦-૧૦ હજાર વિદ્યાર્થીઓનો કુલ ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. દિવસ દરમ્‍યાન દોઢ-દોઢ કલાકના એક એવા કુલ ત્રણ સેશનમાં પરીક્ષા યોજાશે. આ વખતે ૧૧ જેટલા પરીક્ષા કેન્‍દ્રો પણ વધારીને કુલ ૮૦ પરીક્ષા કેન્‍દ્રો ઉપર કોવિડ ગાઇડલાઇન્‍સના પાલન સાથે પરીક્ષા યોજાનાર હોવાનું અંતમાં કુલપતિએ જણાવ્‍યું હતું.

(10:52 pm IST)