Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

દિલ્હીમાં કોરોનાનો 9 મહિનાનો રેકોર્ડ તુટ્યો : છેલ્લા 24 કલાકમાં 28.867 નવા કેસ ; 31 દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનો સક્રમણ દર 26.22 ટકાથી વધીને 29.21 ટકા થયો

નવી દિલ્હી :દિલ્હીમાં આજે કોરોનાના નવા નોંધાયેલા કેસોએ રેકોર્ડ તોડ્યો છે આજે  દિલ્લીમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં 28 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે જ્યારે 31 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અગાઉ 20 એપ્રિલ 2021ના રોજ એક જ દિવસમાં કોરોના વાયરસના 28,395 નવા કેસ નોંધાયા હતા.

દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કુલ 98832 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 28867 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ સાથે દિલ્હીમાં કોરોનાનો સક્રમણ દર 26.22 ટકાથી વધીને 29.21 ટકા થઈ ગયો છે. અગાઉ, 3 મે, 2021 ના રોજ, ચેપ દર 29.55 ટકા હતો.

કોરોનાના નવા 28867 કેસ સામે આવ્યા બાદ હવે રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94160 થઈ ગઈ છે. અગાઉ 1 મે, 2021ના રોજ દિલ્હીમાં 96747 સક્રિય દર્દીઓ હતા. ગુરુવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, એક દિવસમાં 22121 લોકો સાજા થયા અને 31 દર્દીઓના મોત થયા. આ પહેલા 12 જાન્યુઆરીએ 40 લોકોના મોત થયા હતા.

દિલ્હીમાં કોરોનાના કુલ સક્રિય કેસ 94160 છે, જેમાંથી 62324 લોકો હોમ આઇસોલેશનમાં છે, 559 લોકો કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. 41 દર્દીઓ કોવિડ હેલ્થ સેન્ટરમાં અને 2369 લોકો હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા 2424 છે, જેમાંથી 55 કોરોના શંકાસ્પદ વ્યક્તિઓ છે, 2369 કોરોના સંક્રમિત છે, 628 કોરોના દર્દીઓ ICUમાં છે, 768 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે, જેમાંથી 98 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે, કુલ દર્દીઓમાંથી 2080 દિલ્હીના રહેવાસી છે અને 289 લોકો દિલ્હીની બહારના લોકો છે.

કોવિડ સમર્પિત હોસ્પિટલોમાં કુલ 15433 બેડ કોરોનાના દર્દીઓ માટે આરક્ષિત છે, જેમાંથી 2424 (15.71%) ભરેલી છે અને 13009 એટલે કે 84.29 ટકા ખાલી છે. કોવિડ કેર સેન્ટર્સમાં કોરોનાના દર્દીઓ માટે 4626 પથારીની જોગવાઈ છે, જેમાંથી 599 (12.08%) ભરેલી છે અને 4067 એટલે કે 87.92% ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં કુલ 158 પથારીની જોગવાઈ કરાયેલી છે, જેમાંથી 41 (25.95%) ભરાઈ ગઈ છે અને 117 એટલે કે 74.05% હજુ ખાલી છે.

(10:34 pm IST)