Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોરોના-ઓમિક્રોન સંક્રમણની સ્થિતીની સમીક્ષા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની વિડીયો કોન્ફરન્સ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી નિમિષાબહેન સહભાગી થયા

કોરોના સામે વિજય મેળવવા સૌથી કારગત હથિયાર વેક્સિનેશન છે:મુખ્યમંત્રીઓને રાજ્યોમાંવેક્સિનેશન-ડ્રાઇવ પ્રિવેન્ટીવ કેર અંગે વડાપ્રધાનનું માર્ગદર્શન

અમદાવાદ :વિશ્વવ્યાપી મહામારી કોરોના સંક્રમણ તથા નવો વેરિએન્ટ ઓમિક્રોનની દેશના રાજ્યોમાં પ્રવર્તમાન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોના સચિવો આ બેઠકમાં જોડાયા હતા  
પ્રધાનમંત્રીએ કોરોના સામેના કારગત હથિયાર તરીકે વેક્સિનેશનની મહત્તા આપતાં રાજ્યોને વેક્સિનેશન ડ્રાઇવ અને પ્રિવેન્ટીવ કેર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ઉત્તરાયણ, લોહરી, બિહુ જેવા વિવિધ તહેવારોમાં લોકો અને પ્રશાસન બેયની સતર્કતા-એલર્ટનેસ જળવાઇ રહે તે માટે પણ સૂચનો કર્યા હતા.
ટેસ્ટિંગ, હોમ આઇસોલેશન, ટેલિમેડિસીન પદ્ધતિના ઉપયોગ માટે પણ પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પરામર્શ કર્યો હતો.

(9:48 pm IST)