Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોંગ્રેસે ઉન્નાવ રેપની પીડિતાની માતાને યુપીમાં ટિકિટ આપી

યુપી ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર : કોંગ્રેસ પાર્ટીના પહેલા લિસ્ટમાં ૧૨૫ ઉમેદવારોના નામ સામેલ છે અને તેમાંથી ૫૦ ઉમેદવારો મહિલા છે

નવી દિલ્હી, તા.૧૩ : કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી દીધી છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ૧૨૫ ઉમેદવારોના નામ સામેલ છે અને તેમાંથી ૫૦ ઉમેદવારો મહિલા છે.

કોંગ્રેસે ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ ઉમેદવાર બનાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવારોમાં મહિલાઓની સાથે સાથે કેટલાક પત્રકાર, એક અભિનેત્રી અને સમાજસેવીનો પણ સમાવેશ થાય છે.

મોટા નામોની વાત કરીએ તો સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદને ટિકિટ મળી છે. કોંગ્રેસે ઉન્નાવ ખાતેથી આશા સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય NRC-CAA વિરૃદ્ધ આંદોલન કરનારા સદફ જાફરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે સિવાય પૂનમ પાંડેને ટિકિટ મળી છે જે આશા વર્કર છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, જે મહિલાઓ પહેલી વખત ચૂંટણી લડી રહી છે તે સંઘર્ષશીલ અને હિંમતવાળી મહિલાઓ છે. કોંગ્રેસ પાર્ટી તેમને સંપૂર્ણ સહયોગ આપશે. કોંગ્રેસની યાદી જાહેર કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારા ઉન્નાવના ઉમેદવાર ઉન્નાવ ગેંગરેપ પીડિતાના માતા છે. અમે એમને તક આપી છે કે, તેઓ પોતાનો સંઘર્ષ ચાલુ રાખે. જે સત્તા દ્વારા તેમની દીકરી સાથે અત્યાચાર થયો, તેમના પરિવારને બરબાદ કરવામાં આવ્યો, એ જ સત્તા તેઓ હાંસલ કરે.

રાહુલ ગાંધીએ પણ આ અંગે ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે, 'ઉન્નાવ ખાતે ભાજપે જેમની દીકરી સાથે અન્યાય કર્યો, હવે તે ન્યાયનો ચહેરો બનશે, લડશે, જીતશે.'

સોનભદ્ર નરસંહારના પીડિતોમાંથી એક રામરાજ ગોંડને પણ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આશા બહેનોમાંથી એક પૂનમ પાંડેયને પણ ઉમેદવાર બનાવાયા છે. પ્રિયંકાએ કહ્યું કે, કોરોનામાં ઘણું કામ કરવા છતાં આશા બહેનો સાથે મારપીટ કરવામાં આવી. સદફ જાફર અંગે કહ્યું કે, સીએએ-એનઆરસી સમયે સંઘર્ષ કરવાના કારણે સરકારે તેમનો ફોટો પોસ્ટરમાં છપાવીને તેમને પ્રતાડિત કરેલા.

(7:23 pm IST)