Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કુલગામમાં જૈશના પાક. આતંકી બાબરને ઠાર કરાયો

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું આતંક વિરોધી ઓપરેશન જારી : અથડામણમાં જમ્મુ નિવાસી પોલીસકર્મી રોહિત ચિબ શહીદ, સેનાના ૩ જવાનો અને ૨ નાગરિકો પણ ઘાયલ

નવી દિલ્હી, તા.૧૩ : કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે શરૃ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ ગુરૃવાર સવાર સુધી ચાલી હતી. તેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો ગયો છે. તેની ઓળખ બાબરભાઈ તરીકેની સામે આવી છે. તે પાકિસ્તાનનો રહેવાસી હતો. શોપિયાં અને કુલગામમાં તે ૨૦૧૮ના વર્ષથી સક્રિય હતો.

આતંકવાદી પાસેથી એક એકે-૪૭ રાઈફલ, એક પિસ્તોલ અને ૨ ગ્રેનેડ મળી આવ્યા છે. અથડામણમાં જમ્મુ નિવાસી પોલીસકર્મી રોહિત ચિબ શહીદ થયા છે. આ સાથે જ સેનાના ૩ જવાનો અને ૨ નાગરિકો પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

પોલીસને પરીવાન વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની સૂચના મળી હતી. તેના આધાર પર સુરક્ષાદળોની ટીમે સર્ચ ઓપરેશન શરૃ કરી દીધું હતું. ઘેરો સખત બની રહ્યો હોવાના કારણે આતંકવાદીઓએ ફાયરિંગ શરૃ કરી દીધું હતું અને જવાબી કાર્યવાહી સાથે અથડામણની શરૃઆત થઈ હતી. તેમાં જવાનોએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી બાબરને ઠાર માર્યો હતો.

કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, આ અથડામણમાં પાકિસ્તાની આતંકવાદી બાબર માર્યો ગયો છે. તેના પાસેથી હથિયાર અને ગોળા બારૃદ મળી આવ્યા છે. પોલીસના એક જવાન શહીદ થયા છે, સેનાના ૩ જવાન અને ૨ નાગરિકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.

(7:22 pm IST)