Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભારત-ચીનનો વાતચીતનો ૧૪મો રાઉન્ડ પણ નિષ્ફળ

ચીનનું અડિયલ વલણ અડીખમ : બંને દેશોએ લદ્દાખ વિવાદ પર બેઠકમાં નિર્ણય તો લીધો છે પણ તેના પર કેવી રીતે અમલ થશે તેવો સવાલ

નવી દિલ્હી, તા.૧૩ : સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેની વાતચીતનો ૧૪મો રાઉન્ડ પણ નિષ્ફળ ગયો છે.ચીને હજી પણ અડિયલ વલણ અપનાવવાનુ ચાલુ જ રાખ્યુ છે.

બંને દેશોએ હવે લદ્દાખમાં જે વિવાદ છે તેને બંને દેશોને સ્વીકાર્ય હોય તે રીતે ઉકેલવા માટે નિર્ણય તો લીધો છે પણ તેના પર કેવી રીતે અમલ થશે તે સવાલ છે.

બીજી તરફ સેટેલાઈટ તસવીરોથી ખુલાસો થયો છે કે,ચીન હવે ભારતના દોલતબેગ ઓલ્ડી પાસે દેપસાંગને અડીને આવેલા વિસ્તારમાં પોતાના બંકરો બનાવી રહ્યો છે.અહીંયા ચીની સૈનિકોને રહેવા માટે ઘણુ બાંધકામ કરાયુ છે.અહીંયા મોટા પાયે ચીની સેના તૈનાત છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે બંને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.બીજી તરફ ચીન સાથેની લેટેસ્ટ વાતચીતમાં ભારતે પેંગોગ લેક વિસ્તારમાં ચીન દ્વારા બનાવાઈ રહેલા પુલનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

એવુ દેખાઈ રહ્યુ છે કે, ચીનની આર્મી લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલને લાઈન ઓફ કંટ્રોલમાં ફેરાવવા માટે બહુ ઝડપથી સૈન્યની તૈનાતી કરી રહ્યુ છે.જેના કારણે ભારતના સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, ચીન દ્વારા આંશિક રીતે સૈનિકોને પાછા ખસેડવા માટે કાર્યવાહી થઈ છે પણ ખતરો હજી યથાવત છે.

(7:18 pm IST)