Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભારતીય પાસપોર્ટે આ વર્ષે ‘ધી હેવલી પાસપોર્ટ ઇન્‍ડેક્‍સ'માં 7 સ્‍થાનોની મજબુત વધારો પ્રાપ્‍ત કર્યોઃ વિઝા વગર હવે 60 દેશોની યાત્રા કરી શકાશે

દર વર્ષે પાસપોર્ટનું રેન્કિંગ જાહેર થાય છે જેમાં પાસપોર્ટ કેટલો પાવરફૂલ છે તે ખબર પડે છે

નવી દિલ્હીઃ ભારતીય પાસપોર્ટ ગયા વર્ષ કરતા વધુ પાવરફુલ બની ગયો છે. ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ગયા વર્ષની સરખામણીમાં ઘણો સુધારો થયો છે. "ધી હેવલી પાસપોર્ટ ઈન્ડેક્સ"એ વર્ષ 2022 માટે દુનિયાનું સૌથી પાવરફુલ પાસપોર્ટની રેન્કિંગ રજુ કરી છે. ઓક્ટોબર 2021 ની સામે ભારતીય પાસપોર્ટે આ વર્ષે સાત સ્થાનોની મજબૂત વધારો પ્રાપ્ત કર્યો છે.

ભારતીય પાસપોર્ટ સાત સ્થાનના વધારા સાથે 90મા 83 સ્થાન પર આવી ગયો છે. ભારતીય પાસપોર્ટની સાથે હવે તમે વિઝા વગર દુનિયાના 60 દેશોમાં યાત્રા કરી શકો છો. વર્ષ 2021માં ભારતીય પાસપોર્ટની સાથે માત્ર 58 દેશોને વિઝા વગર જવાની અનુમતી હતી.

આ રેન્કિંગ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (IATA)ના ડેટા પર આધારિત છે જે દર્શાવે છે કે આ પાસપોર્ટ સાથે તમામ દેશોની યાત્રા કરવું લોકો માટે કેટલું સરળ છે. જો આ વર્ષે દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટની વાત કરીએ તો તે જાપાન અને સિંગાપોરનો છે.

આ રેન્કિંગમાં એસ્ટોનિયા, લાતવિયા અને સ્લોવેનિયા દેશના નામ 10મા સ્થાન પર છે. આ દેશોના પાસપોર્ટ પ્રવાસીઓને વિના વિઝાના 181 દેશોની મુસાફરી કરવાનો અધિકાર આપે છે. આ સિવાય નવમા સ્થાન પર લિથુઆનિયા અને સ્લોવાકિયા જેવા દેશોના નામ છે. આ દેશોના પાસપોર્ટની સાથે યાત્રીઓ વિના વિઝાના દુનિયાના કુલ 182 દેશોની યાત્રી કરી શકે છે.

અસ્થાયી કોરોનાવાયરસ સંબંધિત પ્રતિબંધોને ધ્યાનમાં રાખ્યા વિના, બે એશિયન દેશોના પાસપોર્ટ ધારક હવે દુનિયાભરના 192 સ્થળોમાં વિના વિઝાની એન્ટ્રી કરી શકે છે. રેન્કિંગમાં સૌથી નીચે અફઘાનિસ્તાનનું નામ છે. જ્યારે રેન્કિંગમાં જર્મની અને દક્ષિણ કોરિયા બીજા સ્થાન પર છે. આ દેશોના પાસપોર્ટ ધારક 190 દેશોમાં વિના વિઝાથી જઈ શકે છે.

જણાવી દઇએ કે કોઈપણ દેશમાં જવા માટે તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ વિના તમે કોઈ બીજા દેશમાં મુસાફરી નથી કરી શકતા. દરેક દેશના પાસપોર્ટની પોતાની એક તાકાત હોય છે. દર વર્ષે પાસપોર્ટનું રેન્કિંગ રજુ કરવામાં આવે છે, જેથી ખબર પડે છે કે કયા દેશનો પાસપોર્ટ કેટલો પાવરફુલ છે.

(5:31 pm IST)