Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

હિલ સ્‍ટેશન મહાબળેશ્વરમાં મંગળવારે રાતે આ શિયાળામાં પહેલી વખત ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું

મુંબઈ, તા.૧૩: ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનને લીધે રાજયમાં ઠંડી અનુભવાઈ રહી છે. મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્‍ટેશન મહાબળેશ્વરમાં મંગળવારે રાતે આ શિયાળામાં પહેલી વખત ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મંગળવારે સવારે ૬ ડિગ્રી, બપોરે ૯ ડિગ્રી, સાંજે ફરી ૬ ડિગ્રી અને મોડી રાતે ઝીરો ડિગ્રી તાપમાન નોંધાતાં મહાબળેશ્વરમાં કાશ્‍મીર જેવું વાતાવરણ નિર્માણ થયું હતું. સખત ઠંડીમાં પર્યટકોએ ભરપૂર આનંદ માણ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું. મુંબઈમાં પણ ગઈ કાલે દિવસ અને રાત દરમ્‍યાન ઠંડો પવન ફૂંકાયો હતો. આગામી બે-ત્રણ દિવસમાં રાત્રે હૂંફાળું હવામાન રહેવાની આગાહી વેધશાળાએ ગઈ કાલે કરી હતી.
વેધશાળાના રિપોર્ટ મુજબ ગઈ કાલે સવારે ૬ વાગ્‍યે મહાબળેશ્વરના વેણ્‍ણા લેક પર ૨.૮ ડિગ્રી અને મધરાતે ઝીરો તાપમાન નોંધાયું હતું. સોમવારે દિવસે ૧૦ અને રાત્રે ૬ ડિગ્રી તાપમાન હતું, જેમાં ૪ ડિગ્રીનો ઘટાડો મંગળવારે રાત્રે અને ગઈ કાલે સવારે નોંધાયો હતો. એક જ દિવસમાં ચાર ડિગ્રી પારો નીચે જતાં મહાબળેશ્વર અને આસપાસના વિસ્‍તારોમાં સખત ઠંડી અનુભવાઈ હતી.

 

(5:13 pm IST)