Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પાકિસ્‍તાનમાં ઇમરાન ખાને ગર્ભ નિરોધક પર લગાવ્‍યો ટેક્‍સ

બિલાવલ ભુટ્ટો ભડક્‍યા કહ્યું, ‘ખેલાડી' પાસે આવી અપેક્ષા ન હતી !

ઇસ્‍લામાબાદ, તા.૧૩: પાકિસ્‍તાન ના મુખ્‍ય વિપક્ષ દળ પીપીપી ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બુધવારે મિની બજેટ દરમિયાન સંસદમાં ઇમરાન ખાન સરકાર પર આકરો હુમલો કર્યા. બિલાવલે કહ્યું કે ઇમરાન ખાન સરકાર ‘ટેક્‍સની સુનામી' લાવવા જઈ રહી છે. તેમણે ‘પ્‍લેબોય'ની ઇમેજ ધરાવતા પીએમ ઇમરાન ખાન ઉપર અંગત હુમલો કરતા કહ્યું કે પીટીઆઈ સરકારે કોન્‍ડોમ પર પણ ટેક્‍સ લગાવી દીધો, જેની એક ‘ખેલાડી' પાસેથી અપેક્ષા ન હતી.
બુધવારે નેશનલ એસમ્‍લીમાં નાણા બિલ, ૨૦૨૧ હેઠળ ઇમરાન ખાન સરકારે ૧૪૪ વસ્‍તુઓ ઉપર ૧૭ ટકાના દરે જીએસટી લગાવી દીધો. તેમાં ગર્ભ નિરોધક ગોળીઓ અને કોન્‍ડોમ પણ સામેલ છે. તેના પછી વિપક્ષે ભારે હંગામો કરી નાખ્‍યો. વિરોધ વચ્‍ચે પાકિસ્‍તાન પીપલ્‍સ પાર્ટીના અધ્‍યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઇમરાન ખાન ઉપર વ્‍યંગબાણ છોડ્‍યા. તેમણે કહ્યું, ઇમરાન ખાન પાકિસ્‍તાન માટે સૌથી મોટી ટ્રેજેડી છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું, ગર્ભ નિરોધક (કોન્‍ડોમ) ઉપર પણ ટેક્‍સ લગાવવામાં આવ્‍યો છે. હવે ઇમરાન જેવા ખેલાડી પાસે આ અપેક્ષા નહોતી કે તે ગર્ભ નિરોધક ઉપર ટેક્‍સ લગાવશે.
તેમણે કહ્યું કે પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ, ભારતમાં જે વસ્‍તી વિસ્‍ફોટ થઈ રહ્યો છે, તેની આપણે ખાવા-પીવાની, શિક્ષણ કે રોજગારની વ્‍યવસ્‍થા નથી કરી શક્‍તા. આખી દુનિયામાં ગર્ભ નિરોધકને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે અને પાકિસ્‍તાન તેના પર ટેક્‍સ લગાવી રહ્યું છે. દેશમાં એચઆઈવી અને એડ્‍સનું સંકટ છે જેની આપણા મીડિયા અને દેશમાં ખબર નથી પડતી. પાકિસ્‍તાનના એક શહેરમાં તેના ઘણા કેસ સામે આવ્‍યા છે.
તેમણે કહ્યું હતું કે, દેશના દ્યણા ભાગોમાં આ ગંભીર સમસ્‍યા છે, તેમ છતાં કોન્‍ડોમ પર ટેક્‍સ લગાવવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે અંગત જીવનમાં ઇમરાન ખાન વડાપ્રધાન બનતા પહેલા પોતાની ‘પ્‍લેબોય' ઇમેજ માટે જાણીતા હતા. ઇમરાને સત્તાવાર રીતે ત્રણ લગ્નો કર્યા છે, પરંતુ તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ રહ્યા છે. થોડા દિવસો પહેલા રેપના નિવેદન પર પાકિસ્‍તાની મૂળના લેખક તારિક ફતેહે કહ્યું કે ‘પાકિસ્‍તાનના વડાપ્રધાનને મળો. દુનિયાભરની મહિલાઓ સાથે અગણિત જાતીય કૃત્‍યો કરનારા ઇમરાન ખાન વર્તમાનમાં પોતાની ત્રીજી પત્‍ની સાથે છે. તે પોતાના દેશવાસીઓને મહિલાઓના રેપથી બચાવ માટે બુરખાને પ્રોત્‍સાહન આપી રહ્યા છે.'

 

(5:11 pm IST)