Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

યુપીના રાજકારણમાં મૌર્ય, કુશવાહા, સૈની અને શાકય સમાજનું વર્ચસ્‍વ

સ્‍વામી પ્રસાદ મૌર્યના રાજીનામાથી ભાજપાની ચિંતા વધી

લખનૌઃ યોગી આદિત્‍યનાથ સરકારના કેબિનેટ પ્રધાન સ્‍વામી મૌર્યના રાજીનામાએ ભાજપાની ચિંતા વધારી દીધી છે. ભાજપાની ચિંતા વાજબી પણ છે કેમ કે સ્‍વામી પ્રસાદ મૌર્ય પછાત વર્ગમાં સામેલ શાકય, સૈની, કુશવાહા અને મૌર્ય જાતિમાંથી આવે છે. અને આ મતદારોમાં સારી પકડ ધરાવે છે. આજ કારણ છે કે ભાજપાના દિગ્‍ગજ નેતાઓ સ્‍વામી પ્રસાદ મૌર્યને હજુ પણ મનાવવાના પ્રયત્‍નો કરી રહ્યા છે.
યુપીમાં ૧૭મી વિધાનસભાની રચના પછી મૌર્ય, શાકય, કુશવાહા અને સૈની સમાજના ૧૫ ધારાસભ્‍યો ચુંટાઇને આવ્‍યા હતા. જેમાંથી ૧૦ ધારાસભ્‍યો ભાજપાના હતા. સ્‍વામી પ્રસાદ મૌર્ય અત્‍યાર સુધીમાં ૫ વાર ધારાસભ્‍ય તથા ૬ વાર કેબીનેટ પ્રધાનપદના શપથ લઇ ચૂકયા છે. આ ઉપરાંત ૩ વાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ૩ વાર વિધાન પરિષદના નેતાની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે.
યુપીમાં યાદવ અને કૂર્મિઓ પછી ઓબીસીમાં ત્રીજો સૌથી મોટો સમાજ મૌર્યનો છે. આ સમાજ મૌર્યની સાથે સાથે શાકય, સૈની, કુશવાહા, કોઇરો, કાછીના નામે પણ ઓળખાય છે. યુપીમાં તેમની વસ્‍તી લગભગ ૬ ટકા છે પણ લગભગ ૧૫ જીલ્લાઓમાં તેમની વસ્‍તી ૧૫ ટકા જેટલી છે.

 

(4:16 pm IST)